ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય ભીમ ડાયરો યોજાયો હતો. આ પ્રસંગે ૧૫૬ કિલો (સંદર્ભે ૭ મણ અને ૧૬ કિલો)ની વિશાળ કેક કાપી ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સમગ્ર લોકભાગીદારી અને દાતાશ્રીઓના સહકારથી યોજાયો હતો.
કેક માટે નવનિર્માણ સાર્વજનિક ટ્રસ્ટના QR કોડ મારફતે ફંડ એકત્રિત કરવામાં આવ્યો હતો તથા ઘેર-ઘેર જઈને દાન મેળવવામાં આવ્યું હતું. આ વિશાળ કેક ઘવ, ચોરણિયા ગામના લાલજીભાઈ નાનુંભાઈ કોળી પટેલ દ્વારા દાનમાં આપવામાં આવી હતી. કેક મૈત્રી સ્વીટ એન્ડ કેટરસના જગદીશભાઈ ચાવડા દ્વારા એક રૂપિયો પણ લીધા વગર નિઃશુલ્ક બનાવી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ તા. ૧૩-૦૪-૨૦૨૫, રવિવારની સાંજે યોજાયો હતો જેમાં ૫૦૦૦થી વધુ ભાઈઓ-બહેનોએ ઉમંગભેર ભાગ લીધો હતો. રાત્રે ૧૨:૩૦ વાગે નાની દીકરીઓ દ્વારા કેક કાપી બાબાસાહેબની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
ડાયરામાં શ્રી રમેશભાઈ પરમાર, પરેશભાઈ રાઠોડ, હિતેષભાઇ સાધુ, ખુશાલીબેન છાશિયા, અશોકભાઈ સુમરા, કિશનભાઈ ઝાલા અને નટુભાઈ પરમાર જેવા જાણીતા કલાકારોએ ભીમ ભજનો અને લોકસાહિત્ય રજૂ કરીને હાજર જનમેદનીને ભાવવિભોર બનાવી દીધી હતી.
આ કાર્યક્રમ વિશે માહિતી આપતાં નટુભાઈ એલ. પરમારએ જણાવ્યું હતું કે, "આ કાર્યક્રમ પૂર્ણરૂપે લોકભાગીદારીથી યોજાયો હતો અને એક પણ રૂપિયો સરકારશ્રી તરફથી લેવામાં આવેલ નહોતો. લોકોનો સહકાર અને ભાઇચારો જ અમારા માટે સૌથી મોટું બળ છે."
આ કાર્યક્રમના સફળ આયોજન માટે આંબેડકર એક્શન ગ્રુપ તથા છત્રપતિ શાહુજી મહારાજ બૌધ વિહાર, સુરેન્દ્રનગરના કાર્યકરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
Comments