માયનોરિટી કોઓર્ડિનેશન કમિટી ગુજરાતે અમરેલી જિલ્લાની ભારતનગર પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા સગીર વયની છોકરીઓના યૌન ઉત્પીડનની ઘટનાને લઈને ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશકને પત્ર લખીને વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતનગર પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર પટેલ દ્વારા શાળામાં ભણતી છાત્રાઓને દારૂ પીવડાવીને યૌન ઉત્પીડન કરવામાં આવતું હતું. આ ઘટનાની જાણ એક છોકરીએ તેના વાલીઓને કરતાં વાલીઓએ શિક્ષકને રંગે હાથે પકડ્યો હતો. આ મામલે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ એફઆઈઆર નંબર ૧૧૧૯૩૦૦૪૨૫૦૧૧૭ નોંધાઈ છે. જોકે, એફઆઈઆરમાં દારૂનો ઉલ્લેખ નથી, જ્યારે શિક્ષકના એક ચોક્કસ સંગઠન સાથેના સંબંધ પણ સામે આવ્યા છે.
કમિટીના કન્વીનર મુજાહિદ નફીસે પત્રમાં જણાવ્યું કે, “આ ગંભીર ઘટનામાં શિક્ષક દારૂ ક્યાંથી લાવતો હતો? બીજા કોણ સામેલ છે? અન્ય કેટલી બાળાઓ આનો ભોગ બની છે? અને આ શિક્ષકે અગાઉની શાળાઓમાં શું કર્યું હતું? તેની સઘન તપાસ થવી જોઈએ.”
કમિટીએ આ મામલે નીચે મુજબની માંગણીઓ કરી છે:
- IG રેન્કના અધિકારીની દેખરેખ હેઠળ SITની રચના કરવી.
- શાળાના અન્ય બાળકો પાસેથી માહિતી મેળવીને વધુ પીડિતોની શોધ કરવી.
- શિક્ષકના સંગઠન સાથેના સંબંધોની તપાસ કરવી.
- દારૂના સ્ત્રોતની તપાસ કરવી.
- પીડિતાઓને વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ સહાય આપવી.
- કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રોજેરોજ ચલાવવી.
- વિશેષ પ્રોસિક્યુટરની નિમણૂક કરવી.
- ૩૦ દિવસમાં તપાસ પૂર્ણ કરવી.
મુજાહિદ નફીસે જણાવ્યું કે, “આવી ઘટનાઓ રોકવા અને પીડિતોને ન્યાય અપાવવા તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે.” આ પત્રની નકલ શિક્ષણ મંત્રી, રેન્જ આઈજી ભાવનગર અને એસપી અમરેલીને પણ મોકલવામાં આવી છે.
Comments