કાલે વ્યાપારી ધોરણે ભજવાયેલું એક નિતાંત સામાજિક નાટક જોયું. નામ છે 'ઓ વુમનિયા'. સૌમ્ય જોશી એના લેખક અને દિગ્દર્શક બંને.
આખું નાટક એક કલાકનું જ. પણ વ્યાપારી ધોરણે એ ભજવાયું અને અમદાવાદના પ્રેક્ષકો દ્વારા ઝિલાયું એ તો નાટક પત્યા બાદ તેમણે ઊભા થઈને સતત એકદોઢ મિનિટ સુધી પાડેલી તાળીઓથી જ ખ્યાલ આવે.
શું 'બૈરું' શબ્દનો અંગ્રેજી અનુવાદ છે આ 'વુમનિયા'? કારણ કે એક સ્ત્રી પાત્ર સતત એક કલાક સુધી રંગમંચ પર નાટક ભજવે અને એમાં વાત માત્ર સ્ત્રીઓની જ આવે એવા આ નાટકમાં વિચાર છે માનવ માત્રની સમાનતાનો, ચિંતન છે સામાજિક વ્યવસ્થા વિશે; અને ઉપાય માટે મનન કરવા પ્રેરે તેવો માહોલ.
વિજાપુરથી મુંબઈ જતી ટ્રેનમાં જુદી જુદી સામાજિક ભૂમિકા ધરાવતી થોડીક ગ્રામનિવાસી સ્ત્રીઓ ભેગી થાય છે અને એમાં એક પાત્ર તરીકે જિગ્ના વ્યાસ બધી સ્ત્રીઓની ભૂમિકા એકસાથે ભજવે છે. કમાલ કરી છે એણે! એ બધી જ સ્ત્રીઓ કોઈક ને કોઈક સામાજિક પીડા સાથે બંધાયેલી છે. પણ એમને કદાચ એ પીડાનો અનુભવ થતો નથી કારણ કે એ એમને કોઠે પડી ગઈ છે. ત્રીસેકની વયની એક અપરણિત છોકરી એવી જિગ્ના માટે જે ચિંતા પરણિત સ્ત્રીઓ વ્યક્ત કરે છે ત્યાંથી નાટક શરૂ થાય છે અને છેલ્લે બળાત્કારોના કઠોર માહોલમાં એ પૂરું થાય છે.
આરંભમાં હાસ્ય રસની ભરપૂરતા એ તો એ છોકરીનું પાત્ર ભજવતી જિગ્ના વ્યાસ તેમ જ એકોક્તિના લેખકની હથોટી અને કમાલ બંને. ટ્રેનના ડબ્બાને જિંદગીની સફરનું માધ્યમ બનાવીને જિગ્ના સમાજની મોટા ભાગની સ્ત્રીઓના જીવનની સાચુકલી સફરની વાત કરે છે. એ સફર પોતે જ એક પ્રચ્છન્ન બળાત્કાર કેવી રીતે છે એ બખૂબીથી વ્યક્ત થાય છે એ છોકરીના અભિનયમાં અને સહેજ પણ કશું કાચું કાપ્યા વગરના તેમ જ કશાની તમા રાખ્યા વગરના શબ્દોમાં.
નટખટ લાગતી એક બંગાળી છોકરી પછી તેની સાથે જોડાય છે ટ્રેનના ડબ્બામાં અને એ પોતાના શહેર કલકત્તાની સુંદરતા અને ભવ્યતાનાં મોંફાટ વખાણ કરતાં થાકતી નથી.
અને પછી શરૂ થાય છે તાજેતરમાં કલકત્તાની હોસ્પિટલમાં થયેલા બળાત્કારની કહાણી. પેલી ભવ્યતા અને સુંદરતા સામેનો એ વાસ્તવિક સામાજિક ચહેરો. સૌમ્ય જોશી એ વાત દેશ આખામાં ચોરે ને ચૌટે, ઘરેબાહિરે, ઉંમરના કશા બાધ વિના સાવ સામાન્ય બીના બની ગયેલ બળાત્કાર સુધી ખેંચી જાય છે અને પ્રેક્ષકોની બચી ગયેલી સંવેદનાને ઢંઢોળે છે, એમ કહીને કે એ અસરગ્રસ્ત સ્ત્રી વ્યક્તિ છે, વસ્તુ નહીં; અને એ આપણી પરિચિત કે સંબંધી હોય તો જ આપણને એની અસર થાય એમ નહીં, કોઈ પણ સ્ત્રી પર થયેલો બળાત્કાર એ આપણા પોતાના પર થયેલો બળાત્કાર છે એમ સમજવું પડે.
નાટકનો અંતરંગ હિસ્સો બનેલા ગીતસંગીતમાં બીજા આઠેક કલાકાર જોડાય છે; અને એ તમને મનોરંજક રીતે ન ડોલાવે, પણ તમારી સૂતેલી માનવ ચેતનાને તમે જાગવાનો પ્રયાસ કરો તો જગાડે.
સૌમ્ય જોશી તો દોસ્ત અને જિગ્ના વ્યાસ પણ. બંનેને આવા મંચન બદલ અભિનંદન આપું એટલા ઓછા.
Comments