ગુજરાત રાજ્ય માહિતી આયોગના અહેવાલમાં ત્રણ વિભાગોની માહિતીની પારદર્શિતા અને યોગ્ય પ્રવાહમાં ગંભીર ખામીઓ જોવા મળે છે
ગુજરાત રાજ્ય માહિતી આયોગના 2023-24ના અહેવાલમાં રાજ્યના ત્રણ મુખ્ય વિભાગો—ગૃહ, મિસેલુ અને શહેરી વિકાસ વિભાગોની કામગીરી વિશે ગંભીર અવલોકન કરવામાં આવ્યું છે. કુલ મળેલી 1,31,875 અરજીઓમાંથી 69.42% અરજીઓ માત્ર આ ત્રણ વિભાગો સામે નોંધાવામાં આવી છે, જે સૂચવે છે કે આ વિભાગોમાં માહિતીની પારદર્શિતા અને યોગ્ય પ્રવાહમાં ગંભીર ખામી જોવા મળી રહી છે. વધુમાં, માહિતીના અધિકાર હેઠળ મળતી અરજીઓમાં અગાઉના વર્ષની સરખામણીમાં 10,385નો વધારો નોંધાયો છે, જે એ દિશામાં સંકેત આપે છે કે માહિતી સરળતાથી મળતી નથી અને નાગરિકો સંપૂર્ણ માહિતી મેળવવા વધુ પ્રયત્નશીલ બન્યા છે.
મહત્વપૂર્ણ એ છે કે આયોગ દ્વારા 118 કેસોમાં માહિતી અધિકારીઓ સામે દંડ વસૂલવાનું સૂચન કરાયું છે, જે માહિતીના અધિકાર અધિનિયમના અમલમાં ચાલતી ખામીઓની ગંભીર સ્થિતિને ઉજાગર કરે છે. ખાસ કરીને કાયદા, નાણાં અને સામાન્ય વહીવટ વિભાગોએ અરજી નકારવાનો દર અન્ય વિભાગોની તુલનાએ વધુ રાખ્યો છે, જે માહિતીના હક પર પ્રશ્ન ચિહ્ન ઊભું કરે છે.
વર્ષ 2023-24 દરમિયાન રાજ્યના વિવિધ વિભાગોને કુલ 1,31,875 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. ગૃહ વિભાગે 30.53%, મિસેલુ વિભાગે 19.54% અને શહેરી વિકાસ વિભાગે 19.35% અરજીઓ પ્રાપ્ત કરી હતી. આયોગને કુલ 7,082 અપીલો અને ફરીયાદો મળી હતી, જેમાંથી 7,051 કેસોમાં ચુકાદાઓ આપવામાં આવ્યા હતા. તેમાંથી 86.19% અપીલો અને 13.81% ફરીયાદોનો સમાવેશ થાય છે. કુલ 118 કેસોમાં દંડ ફરમાવવામાં આવ્યો હતો, જે રૂ. 8,84,500 જેટલો હતો.
માહિતિના અધિકાર હેઠળ સૌથી વધુ અરજીઓ કલમ 19 હેઠળની અપીલ તરીકે 85.13% નોંધાઈ છે, જ્યારે કલમ 18 હેઠળની ફરીયાદોનો ટકા 14.87% રહ્યો છે. અહેવાલ મુજબ, અરજીઓ નકારવાનો સરેરાશ દર 5.23% રહ્યો છે, જોકે કાયદા વિભાગે 17.95%, નાણાં વિભાગે 16.27% અને સામાન્ય વહીવટ વિભાગે 11.97% અરજી નકારી હતી. નકારવામાં આવેલી અરજીઓનું મોટાભાગનું કારણ કલમ 8(1) ની વિવિધ જોગવાઈઓનો અમલ અને કલમ 9, 11, 24 હેઠળ માહિતી આપી શકાતી ન હોવું છે.
આયોગ દ્વારા સરકારને સૂચવવામાં આવ્યું છે કે વિવિધ પરમિટ, લાયસન્સ અને મંજૂરી સંબંધિત માહિતી સ્વયંપ્રસિદ્ધ કરવામાં આવે અને ગેરકાયદેસર બાંધકામ તેમજ દબાણ સંબંધી માહિતી જનસામાન્ય માટે ઉપલબ્ધ કરાવવામાં આવે. માહિતીની ઉપલબ્ધતા વધારવા માટે ઇ-મેઇલ દ્વારા માહિતી પ્રદાન કરવાની પ્રક્રિયા સરળ બનાવવા અને ડિજિટલ ફોર્મેટમાં માહિતી આપવાની વ્યવસ્થા વિકસિત કરવાની ભલામણ પણ કરાઈ છે.
આયોગે માહિતી અધિકાર નિયમો-2010માં સુધારા માટે પણ સૂચનો આપ્યા છે, જેમાં અરજીકર્તાને માહિતી ઇ-મેઇલથી આપવા, નકલ ફી માટે સરળ વ્યવસ્થા ગોઠવવા અને ફીઝિકલ માહિતીના બદલે ડિજિટલ સ્વરૂપે માહિતી આપવા પ્રાથમિકતા આપવા પર ભાર મૂકાયો છે.
Comments