ગુજરાતમાં સમાન નાગરિક ધારો (UCC) માટેની કવાયત શરૂ થઈ છે. કોઈ પણ ધાર્મિક કે જાતિગત સમુદાય સમાન નાગરિક ધારામાંથી બાકાત રહેવા જોઈએ નહીં. એ બધાને સમાન રીતે લાગુ પડવો જોઈએ.
એટલે માગણી એવી થવી જોઈએ કે એ આદિવાસીઓને પણ લાગુ પડવો જ જોઈએ. આદિવાસીઓની પરંપરાઓ જુદી છે માટે એમને એ લાગુ ન પડે એવી દલીલ વાહિયાત છે. એમ તો બધા ધર્મોમાં અને જાતિઓમાં પરંપરાઓ અલગ અલગ જ છે. ચાલુ રાખો એ બધું જ, અને secular કાયદા બનાવવાનું જ બંધ કરી દો ને. હિંદુઓમાં સતીપ્રથા તો એક પરંપરા છે, એ ચાલુ રાખો, એવું કોઈ કહેશો ખરા?
આદિવાસીઓને UCC લાગુ ન પડવાનો હોય તો પછી એ કાયદો જોઈએ જ નહીં એવી દલીલ પણ ધર્મનિરપેક્ષ કે secular દલીલ નથી. સરકાર આદિવાસીઓને એ કાનૂનમાંથી બાકાત રાખવા માગતી હોય તો તે ખોટી બાબત છે એમ ખોંખારો ખાઈને કેમ ન કહેવાય? શા માટે આદિવાસીઓ વચ્ચે કામ કરતી સંસ્થાઓ એમ ન કહે? વસ્તી ગણતરીમાં આદિવાસીઓ હિન્દુઓ ગણાય છે. તો હિન્દુઓમાં અલગ શ્રેણી આ કાયદા માટે કેવી રીતે હોઈ શકે?
ગુજરાતની ભાજપ સરકાર આદિવાસીઓને UCCમાંથી બાકાત રાખવા માગે છે કારણ કે એમાં એમને એકાદ કરોડ આદિવાસીઓ નારાજ થશે અને ચૂંટણીમાં પોતાને મત નહીં આપે એવી બીક લાગે છે. પણ એ ભાજપ છે, આદિવાસીઓમાં કામ કરતી સંસ્થાઓ કંઈ ભાજપ નથી. એટલે એમણે તો આદિવાસીઓને શા માટે બાકાત રાખવામાં આવે છે એવો સવાલ ઉઠાવવો જ જોઈએ.
સરકાર UCC માત્ર મુસ્લિમો માટે લાવી રહી છે અને હિન્દુઓમાંના આદિવાસીઓને બાકાત રાખવા માગે છે એ દલીલમાં પણ ઝાઝું તથ્ય છે.
પણ secularism શું છે? એ તો એ છે કે કૌટુંબિક બાબતો અંગેના તમામ દીવાની કાયદા કે નિયમો પણ બધાને સમાન રીતે લાગુ પડે. કાયદો કયા પક્ષની સરકાર લાવી રહી છે એ અગત્યનું છે જ નહિ. એ તમામ જોગવાઈઓની બાબતમાં secular કાનૂન છે કે નહીં તે મહત્ત્વનું છે.
ગુજરાતના સૂચિત કાયદામાં નીચેની બાબતો કોઈ પણ ધર્મ કે જાતિને ધ્યાનમાં લીધા સિવાય સૌ નાગરિકો માટે હોય:
(૧) છોકરા અને છોકરી માટે લગ્નની ઉંમરની બાબતમાં સમાનતા. મુસ્લિમો એમ કહે કે અમે તો ૧૫ વર્ષની વયની છોકરીને પરણાવી શકીએ કારણ કે એ અમારા ફલાણા ગ્રંથમાં માન્ય છે અથવા એ અમારી પરંપરા છે તો એ તદ્દન બોગસ વાત છે.
(૨) છૂટાછેડાની વ્યવસ્થામાં અને તેના અધિકારની બાબતમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા.
(૩) છૂટાછેડાના કિસ્સામાં સ્ત્રીઓને કે પુરુષોને ભરણપોષણ આપવાની બાબતમાં સમાનતા. એમાં પણ અમારા ધર્મગ્રંથમાં આમ કે તેમ કહેવામાં આવ્યું છે કે અમારી પરંપરા આમ કે તેમ છે એવું ન ચાલે.
(૪) એકપતિત્વ અને એકપત્નીત્વની બાબતમાં બધા માટે સમાન કાયદો, જો એ આદર્શ સમજવામાં આવતી બાબત હોય અને એ કાયદો કરવો જ હોય તો.
(૫) વ્યક્તિના મૃત્યુ બાદ મિલકતની વારસાઈ બાબતમાં સમાનતા. મિલકત કોને કેટલી મળે તે બાબતમાં સમાનતા.
(૬) બાળકોને દત્તક લેવા અંગેના કાયદામાં સમાનતા.
(૭) કોઈ પણ વ્યક્તિઓને લગ્ન કરીને કે લગ્ન વિના સાથે રહેવાની અને જીવવાની બાબતમાં સ્વતંત્રતા.
ઉપરોક્ત બાબતોમાં ધાર્મિક કે જાતિગત પરંપરાઓ અથવા સેંકડો કે હજારો વર્ષો પહેલાં લખાયેલાં પુસ્તકોની વાતો મહત્ત્વની નથી જ; આધુનિક વિજ્ઞાન, સમાનતા અને માનવ અધિકારોનાં મૂલ્યો મહત્ત્વનાં છે. એ ધ્યાનમાં રાખીને કાયદો ઘડાય છે કે નહિ તે મહત્ત્વનું છે.
Comments