કુંભ મેળામાં ૪૫ કરોડ લોકો? દેશના અને દુનિયાના લોકોને ભ્રમિત કરવા માટે જૂઠ્ઠા આંકડાથી પ્રચાર કરવામાં આવે છે
ભારતની વસ્તી ૨૦૨૪ના અંદાજ મુજબ ૧૪૫ કરોડ છે. ખરો અંદાજ માંડી શકાય તેમ નથી કારણ કે નરેન્દ્ર મોદીની સરકારે ૨૦૨૧ની વસ્તી ગણતરી કરી નહીં. કદાચ કોરોનામાં થયેલાં મોતનો સાચો આંકડો બહાર આવે નહીં અને ગરીબીનો સાચો આંકડો પણ બહાર આવે નહીં એટલા માટે.
હવે ૧૪૫ કરોડમાંથી ૪૫ કરોડ લોકો હાલ ચાલી રહેલા કુંભ મેળામાં આવ્યા એવો આંકડો આજે એક છાપામાં આવ્યો છે. હજુ ૧૫ દિવસ બાકી છે કુંભ મેળાને. એટલે એ આંકડો ૬૦ કરોડ સુધી પહોંચી શકે છે.
શું આટલી હાજરી શક્ય છે? અત્યાર સુધીના ૩૦ દિવસમાં ૪૫ કરોડ લોકો આવ્યા કુંભ મેળામાં, એમ ગણાય. રોજના થયા દોઢ કરોડ!
આ શક્ય જ નથી. કુંભ મેળામાં આવનારાની કોઈ નોંધણી તો સરકાર દ્વારા થતી હોય એવું જાણમાં છે જ નહીં. તો આવો અંદાજી આંકડો પોલિસ કે રાજ્યના વહીવટી તંત્ર દ્વારા કાઢવામાં આવ્યો હોય. સામાન્ય રીતે જાહેર સભાઓમાં ખુલ્લાં મેદાનોની ક્ષમતા અને રસ્તા પરની ભીડને ધ્યાનમાં લઈને અંદાજો કાઢવામાં આવતા હોય છે.
એમ લાગે છે કે કુંભ મેળાની હાજરીનો આ આંકડો તદ્દન ખોટો છે. કારણ કે ૬૦ લાખની વસ્તીના શહેરમાં રોજના દોઢ કરોડ લોકો એક મહિના સુધી આવે એ મનમાં ઘૂસતું જ નથી. અકડેઠઠ ભીડનાં દૃશ્યો ટીવી ચેનલોમાં દેખાડવામાં આવે છે તે જોતાં પણ દોઢ કરોડનો આંકડો સાચો લાગતો નથી.
૨૦૨૨-૨૩ના અંદાજ મુજબ દેશમાં ૩૦ કરોડ પરિવારો છે. શું એ દરેકમાંથી એક કે બે જણ કુંભ મેળામાં ગયા? ૮૦ કરોડ લોકો ગરીબ છે અને તેમના પરિવારોની સંખ્યા ૧૬ કરોડ થાય. ખાસ કરીને જેઓ પ્રયાગરાજ શહેરની નજીકમાં રહેતા નથી એમની પાસે તો ત્યાંના પ્રવાસ માટેના એટલા પૈસા જ ન હોય કે તેઓ કુંભ મેળામાં જઈ શકે. શું એ બધા દેવું કરીને ત્યાં ગયા? જો ના, તો બાકીના ૧૪ કરોડ પરિવારોમાંથી જ ૪૫ કરોડ લોકો ત્યાં ગયા? આવા બધા સવાલો સ્વાભાવિક રીતે કોઈ વિચાર કરે તો ઊભા થાય જ. એને માટે વિચાર કરવાની જે શક્તિ બધામાં છે તેનો બધાએ ઉપયોગ કરવો પડે, હોં.
પત્રકારો પણ સરકાર જે આંકડો આપે તે છાપી દે છે. ભલે છાપે, પણ એમણે તો વ્યાવસાયિક ધોરણે એ આંકડા સામે સવાલ તો ઉઠાવવો જોઈએ ને.
એક ભગવાધારી માણસ અત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન છે. તેમની સરકારને આવા જૂઠ્ઠા આંકડા આપવામાં કયું હિન્દુત્વ દેખાતું હશે? આવું નરદમ જૂઠ્ઠાણું બોલવાથી કેવી રીતે વિશ્વગુરુ થવાય? અને હા, આવું જૂઠ્ઠું બોલવું એ પાપ કહેવાય કે નહીં? ગંગામાં એ સરકારી પાપ શું રોજ ધોવામાં આવે છે? કોણ ધૂએ છે એ પાપ? અને એ પાપ ધોવાઈ ગયું એની શી ખાતરી કેવી રીતે મળે?
દેશના અને દુનિયાના લોકોને ભ્રમિત કરવા માટે આવા જૂઠ્ઠા આંકડાથી પ્રચાર કરવામાં આવે છે એમ જ લાગે છે. જેઓ તાનાશાહો હોય છે એમનો એક મોટો સહારો જૂઠ્ઠાણું હોય છે એ સુપેરે યાદ રાખવાની જરૂર છે. સવાલ કેટલા કુંભ મેળામાં ગયા કે ન ગયા, એનો નથી; સવાલ સરકારનું અસત્યાચરણ છે જેનું સત્તાવાર સૂત્ર सत्यमेव जयते છે.
Comments