અમરેલીની પોલિસ દ્વારા અપમાનિત યુવતી પાટીદાર છે એટલે હવે પાટીદારો એને ન્યાય અપાવવા કૂદી પડ્યા છે. એ દલિત કે આદિવાસી કે બીજી કોઈ જ્ઞાતિની કે ધર્મની યુવતી હોત તો? અન્ય જ્ઞાતિઓની વ્યક્તિઓ પર અત્યાચાર થાય તો કશું નહિ બોલવાનું?
અત્યાચારના વિરોધમાં પણ જ્ઞાતિઓ કામ કરે છે, જ્ઞાતિગત ભેદભાવ એમાં પણ નજરે પડે છે! આ હિન્દુ ધર્મ અને હિન્દુઓનો સ્વભાવ છે!
પાટીદારોને એનો ખ્યાલ આવવો જોઈએ કે કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ સાથે પોલિસ અત્યાચાર થાય તો કોઈક દિવસ એનો રેલો ગમે ત્યાં પહોંચી શકે છે.
આજકાલ ગુજરાતમાં અને દેશમાં કોઈ જ્ઞાતિની કોઈ વ્યક્તિ પોલિસ અત્યાચારનો ભોગ બને એટલે એ વ્યક્તિની જ્ઞાતિનો સમાજ આવી જાય છે મેદાનમાં.
પ્રશ્ન કોઈ એક જ્ઞાતિનો કે ધર્મનો નથી હોતો, સમગ્ર સમાજનો હોય છે, સમગ્ર સમાજની વ્યવસ્થાનો હોય છે. ક્યારે આ સમજાશે?
પોલિસ આવું બેહૂદી અને અભદ્ર રીતે એક વ્યક્તિ સાથે વર્તે અને જો એ સાંખી લેવામાં આવે તો પોલિસને તો એની ટેવ પડી જાય એ સ્વભાવિક છે.
દેશમાં અને ગુજરાતમાં કાયદાનું શાસન નહિ, પણ પોલિસ રાજ ઊભું થઈ રહ્યું છે તે સમજાશે? પોલિસ જે રીતે દલિતો કે આદિવાસીઓ સાથે વર્તી શકે છે એ જ રીતે બીજા કોઈ પણ હિન્દુ સાથે વર્તી શકે છે, અને પોલિસ જે રીતે મુસ્લિમો કે ખ્રિસ્તીઓ સાથે વર્તી શકે છે એ જ રીતે એ હિન્દુઓ સાથે પણ વર્તી શકે છે એ સુપેરે અને બહુ મોડું થાય તે પહેલાં સમજવાની જરૂર છે.
Comments