ગાંધીહત્યાના કાવતરાના પર્દાફાશ પરનું વાચિકમ્: પુણ્યતિથિએ મહાત્માને અમદાવાદમાં અજોડ કહી શકાય તેવી અંજલિ
પુણ્યતિથિએ મહાત્માને અમદાવાદમાં અજોડ કહી શકાય તેવી અંજલિ મળી.પાલડી વિસ્તારના મુક્ત રંગમંચ સ્ક્રૅપયાર્ડમાં, ગાંધીહત્યા અને તેના પાયામાં રહેલી હિંદુત્વવાદી વિચારધારાનો પર્દાફાશ એક વિચારપ્રેરક પ્રભાવક કાર્યક્રમ થકી સંગીન રીતે કરવામાં આવ્યો.
ગુરુવારે સાંજે વાચિકમ્ ના આ યાદગાર પ્રયોગમાં ‘ગોડસેને ગાંધી કો ક્યોં મારા?’ પુસ્તક પર આધારિત વિગતો અને વિચારો ગુજરાતીમાં સોંસરી રીતે શ્રોતાઓ સુધી પહોંચ્યા. અશોક કુમાર પાંડેયના 'ઉસને ગાંધી કો ક્યોં મારા?' અકાટ્ય હિન્દી પુસ્તકનો જાણીતા નિર્ભિક પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ હેમન્તકુમાર શાહે 'ગોડસે ને ગાંધી કો ક્યોં મારા?' કરેલો ગુજરાતી અનુવાદ ગયા વર્ષે પ્રસિદ્ધ થયો છે.
વાચિકમ્ માં અર્થશાસ્ત્રના નિવૃત્ત અધ્યાપક હેમન્તકુમારની સાથે તેમના જ ચિરંજીવી અને તેમના જ વિષયના યુવા અધ્યાપક આત્મન બીજા વાચક હતા. અનુવાદ પર આધારિત આલેખમાં ગાંધીજીની હત્યાના દરેકેદરેક પાસાનું આધાર-પુરાવા સાથે સચોટ વિશ્લેષણ છે.
ભારતીય જનમાનસમાં ગાંધીહત્યાને લગતા જે બધા સવાલો છે તેના જવાબ, ગેરસમજની સ્પષ્ટતા અને ફેલાવવામાં આવેલાં જૂઠાણાંની સામેનું સત્ય પ્રતીતિજનક રીતે રજૂ થયું છે.
આલેખમાં આવરી લેવાયેલી કેટલીક બાબતો આ મુજબ છે: ગાંધીહત્યાના છ પ્રયાસો, ગાંધીહત્યાની આખરી સાજિશના ગુનેગારોનો પરિચય, ગુનેગારોને પ્રેરણા આપનાર વ્યક્તિઓ અને પરિબળો, ચિત્તપાવન બ્રાહ્મણો અને હિન્દુ રાષ્ટ્રનું સ્વપ્ન, હત્યા, મુકદ્દમો, સાવરકરની સંડોવણી અને કપૂર પંચ, હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગ, કાશ્મીર અને ગાંધીજી, ગોડસેના બયાનને આધારે ગાંધીજીના નામે ચલાવાતાં રહેલાં જુઠ્ઠાણાં(પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા, ભાગલાના જવાબદાર ગાંધી,ભગતસિંહને ફાંસી અને ગાંધી ઇત્યાદિ).
પ્રયોગની રજૂઆતમાં ધ્વનિ-પ્રકાશ-પાર્શ્વ સંગીત- વેષભૂષા-મંચસજ્જા, રંગમંચનિહિત નાટ્યાત્મકતા; આલેખમાં સાહિત્યસ્પર્શ અને વાચનમાં વાગ્મિતા લગભગ ગેરહાજર હતાં.
બંને વાચકો પૂરી તૈયારી સાથે અસ્ખલિત રીતે વાંચતા હતા. સીધાસટ, stark, naked, સઘન ગદ્યના બનેલા આલેખમાં હકીકતો, પ્રસંગો, તારણો અને વિચારમુદ્દાઓ એવા ખીચોખીચ છતાં સંતુલિત હતા કે દોઢસો જેટલા શ્રોતાઓ સવા કલાક જકડાયેલા રહ્યા, કશું પણ ચૂકી જવું પોસાય તેમ ન હતું.
વાચિકમ્ ના આરંભે હતું ગીત ‘તારી હાક સુણીને કોઈ ના’વે...’. મધ્યમાં ગવાયું ‘રઘુપતિ રાઘવ રાજારામ’ અને અંત થયો ‘વૈષ્ણવજન’થી. ત્રણેયનું ગાન હાર્મોનિયમની સંગતે સેન્ટ ઝેવિયર્સ કૉલેજના વિદ્યાર્થી સ્નેહમ દ્વારા તન્મયતાથી થયું. તેને કારણે આમ તો કેવળ ગદ્યના, અને અસ્વસ્થ બનાવનારા વાચિકમ્ ને સૂર-લયની અર્થપૂર્ણ છાલક મળી.
કાર્યક્રમમાં એમ લાગ્યું કે જાણે કાલપુરુષ દેશ અને દુનિયાના ઇતિહાસનું એક પીડાજનક છતાંય સાંપ્રતમાં અતિશય પ્રસ્તુત પ્રકરણ ભારતીયોને તેની વિદારક ભવ્યતા સાથે સંયત રીતે વાંચી સંભળાવતો હતો.
બે પેઢીના બે સજ્જ-સક્રિય અધ્યાપકો(અહીં તો પિતા-પુત્ર) ગ્રંથાલય અને શિક્ષણસંસ્થાથી આગળ વધીને બહોળા સમાજને મહત્ત્વના વિચારો કેવી લોકભોગ્ય રીતે પહોંચાડી શકે તેનું આ કાર્યક્રમ એક નોંધપાત્ર દાખલો હતો.
તદુપરાંત, એક દસ્તાવેજી તેમ જ વૈચારિક પુસ્તકને ઓછામાં ઓછી સાધનસામગ્રીથી લોકો સુધી લઈ જવામાં રંગમંચ કેવી રીતે અસરકારક માધ્યમ બની શકે તે પણ જોવા મળ્યું. અને આ મંચ, તકલીફમાં મૂકવાની ક્ષમતાવાળા કાર્યક્રમોને માટે આપનાર (બલકે તેના પર આવા પ્રયોગોને આવકારનાર) નેહા-કબીર અને ઠાકોર પરિવાર અમદાવાદનું ઘરેણું ગણાય.
હેમન્તકુમાર શાહ અનુવાદિત ઉપરોક્ત પુસ્તક અમદાવાદના કલ્પવૃક્ષ પ્રકાશને પ્રસિદ્ધ કર્યું છે. તેની છસોથી વધુ નકલો વાચકોએ વસાવી છે, અને નવું સંસ્કરણ ટૂંક સમયમાં થશે એવું પ્રકાશક કેયૂર કોટકે જણાવ્યું છે. આ પુસ્તકની હજારો નકલો લોકો સુધી પહોંચવી જોઈએ. તેની પર આધારિત વાચિકમ્ ના સંખ્યાબંધ પ્રયોગો પણ થવા જોઈએ. (આભાર: નયીમ; તસવીર અને કોલાજ સૌજન્ય: પાર્થ)
Comments