એક આખી ટ્રક બેફામ ચલાવીને અમેરિકામાં ન્યૂ ઓર્લિન્સમાં મધરાતે માણસોને ચગદી નાખનાર અમેરિકામાં જ જન્મેલો એક મુસ્લિમ નાગરિક ઇસ્લામિક સ્ટેટ(IS)નો ઝંડો એની ટ્રકમાં લગાડે છે. આવી ઘટનાઓ છેલ્લા કેટલાક સમયમાં બની છે. ટ્રક અને કાર ઇસ્લામિક આતંકવાદનાં સાધનો બનાવી દેવાયાં છે.
આ ઇસ્લામિક સ્ટેટ નામનું આતંકવાદી જૂથ ઇસ્લામી શરિયત કે શરિયા કાનૂન આખી દુનિયામાં કે પછી દુનિયામાં જ્યાં પણ મુસ્લિમો રહેતા હોય તે બધા મુસ્લિમોને લાગુ પડે એમ ઈચ્છે છે. તેને એમ લાગે છે કે એ અલ્લાહે આપેલો કાનૂન છે અને તેનું પાલન થવું જ જોઈએ.
ટ્રક ચલાવનાર ઝનૂની મુસ્લિમ અમેરિકન નાગરિક શમસુદ્દીન જબ્બરે ૧૩ વર્ષ સુધી અમેરિકન લશ્કરમાં સૈનિક તરીકે કામ કરેલું અને પાછો અફઘાનિસ્તાનમાં ધર્મઝનૂની તાલિબાન સામે લડેલો.
એનું મગજ ફેરવી નાખ્યું ISના ધર્મઝનૂની પ્રચારે. સવાલ એ છે કે એવું શું શિખવાડે છે એ IS કે જેથી એ શીખનાર લોકો બીજા લોકોને કે અન્ય ધર્મીઓને મારી નાખવા અને જાતે મરી જવા તૈયાર થઈ જાય છે? એમને એમ કહેવામાં આવે છે કે તેઓ અલ્લાહ માટે કામ કરી રહ્યા છે ને જો તેઓ એ કામ કરતાં કરતાં મરશે તો તેમને જન્નત મળશે. આ મારવા અને મરવાનો ધંધો કરનારાને કેમ સમજાતું નથી કે મનુષ્યની જિંદગી સૌથી કીમતી ચીજ છે, તેમ જ મનુષ્ય આ કહેવાતા ધર્મ કરતાં પણ મોટો છે?
ધાર્મિક કાયદા જેવી બધી બોગસ વાતો હેઠળ જ ધિક્કારનું માનસ ફેલાય છે અને એમાં માનવ જિંદગી હોમાય છે. હકીકત એ છે કે અલ્લાહ, ઈશ્વર, ગોડ વગેરે તો મનુષ્યની કલ્પના છે અને જન્નત કે જહન્નુમ પણ એવી કલ્પનાઓ માત્ર છે. કશું પણ આખરી હોઈ શકે જ નહિ.
છેલ્લાં ચારસો વર્ષમાં મનુષ્યની જીવન શૈલી બદલાઈ ગઈ. રાજાશાહીમાં અને ખેતીને આધારે જીવતો માણસ હવે રહ્યો નથી. એટલે એ જમાનામાં લાગુ કરવામાં આવેલા ધાર્મિક કે અન્ય કાયદા આજે કેવી રીતે લાગુ પડી શકે?
જો હિંદુઓની મનુસ્મૃતિ ખરાબ હોય, ભેદભાવ પ્રેરનારી હોય, માનવ અધિકારોના ભંગને પ્રોત્સાહન આપનારી હોય; રામ કે કૃષ્ણની જાતજાતની કથાઓની જો ટીકાઓ થઈ શકે તો ઇસ્લામની વાર્તાઓની પણ આલોચના થઈ શકે એ સ્વીકારવાની આવશ્યકતા છે. શરિયત કાનૂન કે ઇસ્લામના કોઈ પણ ગ્રંથ વિશે પણ ટીકા હોઈ શકે એ મુસ્લિમોએ સમજવાની જરૂર છે. ઇસ્લામ એટલે શાંતિ એવું કહેવામાં આવે છે, તો પછી એના નામે આતંકવાદ કેમ?
ભણેલોગણેલો મુસ્લિમ વર્ગ જરા વિચારે અને ધર્માંધતામાંથી પોતે બહાર આવે, તેમ જ પોતાના ભાઈઓ-બહેનોને બહાર કાઢવાનું શરૂ કરે. કુરાન, શરિયત કે હદીથમાં જે કંઈ એવું છે કે જે આજે ન જ ચાલે; તો એ ખોંખારીને કહેવું જ પડે. મદ્રેસાઓમાં એ યુવાનોને ભણાવતા રહેવું કેટલું વાજબી કહેવાય? પોતે ધર્માંધ રહેવું છે, અને બીજાને ધર્મનિરપેક્ષ રાખવા છે એવું નહિ ચાલે. જો એ નહિ થાય તો ધર્મનું રાજકારણ બધાને લઈને ડૂબશે, મારશે અને રક્તપાત થયા કરશે. જે જ્યાં તાકાતવાળા હશે તેઓ ત્યાં બીજાઓની દશા બગાડશે.
માનવ અધિકારોને કેન્દ્રમાં રાખીને, સમાનતા, ન્યાય, લોકશાહી અને સ્વતંત્રતાનાં મૂલ્યો જો ધર્મો ના સ્વીકારતા હોય તો એ બધા ધર્મો અને એમના ગ્રંથો કચરાપેટીમાં ફેંકવા જેવા જ કહી શકાય.
૨૦૨૫માં દુનિયામાં બધા થોડા બુદ્ધિપૂર્વક વર્તતા થાય એવી શુભકામના.
Comments