અધ્યાત્મનો સાદો અર્થ એ છે કે માણસ પોતાના તેમ જ જગતના અસ્તિત્વનો અર્થ શોધે, ભગવાનને શોધે અને પ્રાપ્ત કરે અને સ્વયંને પ્રકૃતિ સાથે કે બ્રહ્માંડ સાથે સાંકળે. એટલે કે એ એ પોતાની જાતને આ સકલ જગતના નિયંતા એવા ભગવાન સાથે જોડે અને પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે.
આ બધું તો સાવ જ રહસ્યવાદી છે. એમાં રહસ્ય છે એટલે કે એને આપણે રોટલીશાક પકડી શકીએ એવી રીતે પકડી શકાતું નથી. કોણે પોતાની જાતને બ્રહ્માંડ સાથે કે પ્રકૃતિ સાથે સાંકળી અને કેવી રીતે સાંકળી એ તો કંઈ સામાન્ય લોકોને સમજાય નહિ એવી વાત હોય છે.
જેમ કે, રામકૃષ્ણ પરમહંસ કે સ્વામી વિવેકાનંદ જેવા મહામાનવોએ શી અને કેવી રીતે એ આધ્યાત્મિકતા સિદ્ધ કરી એ પણ સમજાય નહિ એવું હોય છે.
આવા સિદ્ધ માનવીઓ, તપસ્વીઓ કે ઋષિઓ થયા હશે, અત્યારે હશે કે થશે પણ ખરા. પરંતુ તેનાથી જગતને શો લાભ થયો તે એક મોટો સવાલ છે. એટલે ઘણી વાર એમ લાગે કે રામકૃષ્ણ પરમહંસ કરતાં સ્વામી વિવેકાનંદ સમાજને તેની રાજકીય, ધાર્મિક અને આર્થિક સ્થિતિ બદલવામાં વધુ ઉપયોગી થયા, ભલે ને, તેઓ કદાચ તેમના ગુરુ જેવા સિદ્ધ પુરુષ ન પણ હોય. સ્વામી વિવેકાનંદ ભગવાં વસ્ત્રો પહેરતા હતા, પણ સમાજની તત્કાલીન સમસ્યાઓથી કોઈ દહાડો વેગળા નહોતા થયા.
અધ્યાત્મ કે આધ્યાત્મિકતા એ તેથી બહુ ગહન વિષય છે. જેમ કે, મહાન વિદ્વાન અને ઋષિતુલ્ય એવા વિનોબા ભાવેએ બે સૂત્ર આપેલાં:
(૧) વિજ્ઞાન + અધ્યાત્મ = સર્વોદય.
(૨) વિજ્ઞાન - અધ્યાત્મ = વિનાશ.
મારા જેવા પામર મનુષ્યને પણ આ સૂત્રો સમજવામાં ભારે મુસીબત પડે છે. સમજણ નથી પડતી કે અધ્યાત્મનો અર્થ આ સૂત્રોમાં શો કરવો.
અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ચાલી રહ્યો હતો, તેનું આ દૃષ્ટિએ મૂલ્યાંકન કરવો જરૂરી છે. શું એક જમાનામાં જેને તડીપાર કરવામાં આવેલો એવો માણસ દેશનો ગૃહ પ્રધાન થઈને આ મેળાનું ઉદ્ઘાટન કરે તો લોકો આધ્યાત્મિક થઈ જાય એવું બને? એમણે કઈ આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે?
જેઓ તમામ પ્રકારની ભૌતિક સુખસાહ્યબી અને રાજકીય કે અન્ય હોદ્દા ભોગવે છે તેઓ સામાન્ય લોકોને વળી શું અધ્યાત્મ શીખવવાના? એવા લોકોનાં પ્રવચનોની હારમાળાથી પણ અધ્યાત્મ ખીલવવામાં શું લાભ વ્યક્તિગત રીતે સામાન્ય લોકોને થવાનો?
અને હા, સેવા પ્રવૃત્તિની જરૂર પડે છે એ વિશે આ મુદ્દા મહત્ત્વના છે:
(૧) બીજાની સેવાની આવશ્યકતા મોટે ભાગે એટલા માટે ઊભી થાય છે કે સામાજિક, આર્થિક અને રાજકીય શોષણની વ્યવસ્થા બરકરાર રહે છે. શોષણ દૂર કરવું એને અધ્યાત્મ સાથે કશી લેવાદેવા ખરી કે નહિ?
(૨) દાનનો મહિમા અને જરૂરિયાત ત્યાં જ હોય છે કે જ્યાં શોષણનું અસ્તિત્વ છે. મને એ બરાબર યાદ છે કે મધર ટેરેસાના અવસાન બાદ એમની સંસ્થાના નેતા બનેલા સિસ્ટર નિર્મલાએ એક અખબારી મુલાકાતમાં એવા મતલબનું કહ્યું હતું કે, "ગરીબો ના હોય તો અમે કરીએ શું?" શોષણ ખતમ થાય તો દાનવીરોની જરૂર જ ન રહે. ઈંટની ચોરી અને સોયનું દાન એવી ગુજરાતી કહેવત જે સમાજમાં અમલમાં હોય તે સમાજમાં અધ્યાત્મ વળી કઈ બલા બને?
(૩) શોષણ ન થાય માટે રાજ્ય કેવું હોય તે ભારતના બંધારણમાં પ્રકરણ-૪માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખેલું છે. રાજ્યે એવી વ્યવસ્થાઓ ઊભી કરવાની છે કે જેથી શોષણ ન થાય. આ કોઈ આધ્યાત્મિક બાબત નથી, પણ સાવ જ ભૌતિક બાબત છે અને રાજ્યને આધ્યાત્મિક બાબત સાથે કોઈ સંબંધ હોઈ પણ ન શકે.
જરા જુઓ, અને વિચારો કે કોઈ આ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાથી કોની કેટલી સેવા થઈ અને કોના અધ્યાત્મનો કેટલો વિકાસ સિદ્ધ થયો?
Comments