ગાંધીજી સરેરાશ સનાતની હિન્દુની માફક મોક્ષમાર્ગી હતા. તેમણે યુવાવસ્થામાં જ તેમના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચન્દ્રને પૂછ્યુ હતું કે તેમને તેમની હયાતીમાં જ મોક્ષ મળી શકે કે કેમ? શ્રીમદે કહેલું કે જો તેઓ તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય - તે એટલે સુધી કે તેમના ખુદના અહમ્ કે હોવાપણામાંથી પણ મુક્ત થઈ જાય તો મોક્ષ મળી શકે.
૧૫ ઓગષ્ટ ૧૯૪૭ ના દિવસે દેશ રાજકીય રીતે આઝાદ થયા પછી ફાટી નીકળેલા કોમી દાવાનળથી વ્યથિત ગાંધીજી હિસાં-ગ્રસ્ત નોઆખલી જવા નીકળી ગયેલા. તેમણે નોઆખલી અને ત્યાર પછી દિલ્હીના કોમી દાવાનળને ઠારવાનું અને નિરાશ્રિતોની છાવણીઓમાં જઈ વિશ્વાસ સ્થાપવાનું કામ કર્યું. તેમણે રાજકીય આઝાદી અને મનોવૈજ્ઞાનિક મુક્તિ વચ્ચે તફાવત કર્યો અને કહ્યું કે રાજકીય આઝાદી મળવાથી આપોઆપ મુક્તિ મળી જતી નથી. હિંસાગ્રસ્ત દેશ મુક્ત ગણી શકાય નહીં. તેમની મુક્તિ- યાત્રા વાસ્તવમાં તેમની મોક્ષ યાત્રા હતી. તે ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ પૂરી થઈ. દિલ્હીના બીરલા હાઉસમા પ્રાર્થનાના દૈવનિર્મિત ચોઘડિયે, બરાબર ૫ઃ૧૨ કલાકે ત્રણ ગોળીની સલામી સાથે તેમણે સ્વર્ગારોહણ કર્યું.
ગાંધીજી સંત તરીકે જાણીતા થયા હતા. ગોળમેજી પરિષદ સમયે લંડનમાં સત્તાધિષો વચ્ચે ચણભણાટ થયેલો કે આ માણસ સંત હોવાને નાતે આશ્રમમાં બેસી રહ્યો હોત તો શો વાંધો હતો? નાહક રાજકારણમાં આવ્યો!! ગાંધીજીનું સંત-રાજકારણી સ્વરુપ બ્રિટીશ સામ્રાજ્યવાદીઓ સમજી ન શક્યા એ તો ઠીક પણ ગાંધીજીની નજિકના સાથીઓ પણ તેમને સમજવામાં ઉણા ઉતરેલા તે નવાઈ પમાડે તેવું હતું.
હિન્દુસ્તાન એટલે સંતો-મહંતો અને રુષિ-મુનિઓની ભૂમિ. કેટલાકે એવો પ્રશ્ન પણ ઉઠાવેલો કે જો ગાંધીજી સંત હોય તો તેમણે કોઈ ચમત્કારો કરેલા ખરા?
જેમના માત્ર બે શબ્દો- “હિન્દ છોડો”- પર વિશ્વાસ મૂકી-લાખો લોકો ઘરબાર છોડીને નીકળી પડે તે ચમત્કાર નહીં તો શું કહેવાય? ગાંધીએ ચમત્કારો કર્યા ન હતા. તેઓ ખુદ એક ચમત્કાર હતા.
પ્રખ્યાત રાજનીતિજ્ઞ અને ગાંધીજીની ફિલસૂફીના અભ્યાસુ લોર્ડ ભીખુ પારેખે ૨૦૧૬ની એથેન્સની રામકથા માનસ-સુકરાતની એક સાંધ્યગોષ્ઠીમાં કહેલું કે ગાંધી અને સુકરાત (સોક્રેટીસ) “કોણ“ હતા એ નહીં પણ તેઓ “શું” હતા તેની ચર્ચા થવી જરુરી છે. આ સંદર્ભમાં તેમણે સૂચવેલું કે ગાંધી- સુકરાતના મૃત્યુથી શરુ કરી તેમનુ જીવન તપાસવાથી તેઓ શું હતા તે વધુ યથાર્થપણે જાણી શકાશે.
મનુભાઈ પંચોલી - દર્શકે તેમની પ્રસિદ્ધ નવલકથા સોક્રેટીસમાં સુકરાતના મૃત્યુને “ધન્યોત્સવ” કહેલો. સુકરાત અને ગાંધી મૃત્યુના ડરથી પર હતા. તેમણે પોતાની જાતને શૂન્યવત કરી નાખેલી. સુકરાતને સત્ય બોલવા બદલ મૃત્યુ દંડની સજા મળેલી. તેણે જેલરને કહેલું કે જો તે એક પ્યાલાથી મૃત્યુ ન પામે તો બીજો આપવો!
આવું જ મીરાંની બાબતમાં થયેલું તે જાણીતું છે. માનસ સુકરાતમાં મોરારીબાપૂએ કહેલું કે ઝેર પીનારા અમર થઈ ગયા, અમૃત પીનારાઓને કોઈ ઓળખતું નથી. સર્વહિતકારી ભગવાન શંકરે ગળા વચ્ચે ઝેર ભરી રાખ્યું. આથી તેઓ નીલકંઠ કહેવાયા. દેવો બાપડા અમૃત માટે લડી મર્યા હતા!
ગાંધીજી સુકરાતથી ભારે પ્રભાવિત થયેલા. તેના પર ચાલેલા દેશદ્રોહના ખટલાનું વર્ણન તેમણે પ્લેટોના સંવાદ “એપોલોજિ” માં વાંચેલું. ગાંધીજીએ તેને સત્યનો સિપાહી કહેલો. તેમણે છેક ૧૯૦૬મા તેના પર છ લેખો પ્રસિધ્ધ કરેલા.સુકરાત દેખાવે કદરુપો હતો પરંતુ ગાંધીજીએ તેને સુંદર કહેલો.
ગાંધીજી રોમારોલાં સાથે વેટિકન ગયેલા. ત્યાં ક્રોસ પર લટકતા જિસસનું ચિત્ર જોઈને તેના સૌંદર્ય પર વારી ગયેલા. તમણે કહેલું કે જે સત્ય હોય તે સદા સુંદર હોય છે. જે લોકો બન્ને વચ્ચે ભેદ કરે છે તેઓ નથી સત્યને જાણતા કે નથી જાણતા સૌંદર્યને.
ગાંધીનું મૃત્યુ બેશક ભવ્ય અને કલાત્મક હતું. પંડિત નહેરુએ આપેલી ભાવાંજલીમાં તેમને કલાકાર કહેલા. ગાંધીનો છેલ્લો દિવસ કેટલો કલાત્મક હતો તેનું વર્ણન વિન્સેન્ટ શીન ના લેખ “લાસ્ટ-ડે”, ડગ્લાસ જેમ્સના “ગાંધી એન્ડ અનસ્પિકેબલ” અને નારાયણભાઈ દેસાઈના પુસ્તક “જિગરના ચીરા” માં આપવામા આવ્યું છે.
ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો ૧૯૨૭માં પ્રગટ થઈ તે પછી બનેલી અનેક ઘટનાઓ પ્રયોગ સ્વરૂપની હતી. તે સઘળી ઘટનાઓ ગાંધીએ લખી હોત તો આત્મકથાનો “ઉતરકાંડ” વિષાદપૂર્ણ હોત તે નક્કી. પરંતુ ૩૦ જાન્યુઆરીની ઘટના ગાંધીજી ન લખી શક્યા હોત. આ ઘટનાને જેમ્સ ડગ્લાસે “સત્યનો અંતિમ પ્રયોગ” નામ આપ્યું છે. જો ગાંધીએ ડાઈંગ ડેક્લેરેશન આપવાનું થયું હોત તો તેઓ પણ કદાચ આ જ શિર્ષક પસંદ કરત! સત્યનો આ અંતિમ પ્રયોગ જેટલો ભવ્ય હતો તેટલો કે તેથી પણ વધુ કલાત્મક હતો.
Comments