પ્રથમ એક વાત એ કે ઈશ્વર, અલ્લાહ કે ગોડ અને એમના જેવા બીજા બધા ભગવાનો, માતાઓ અને દેવીઓ તો માણસને મારવા બેઠાં હોય છે. માણસ જ માણસને કુદરતના ખોફથી બચાવે છે. મોટા ભાગનાને આ વાત નહિ ગમે, પણ ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. મનુષ્યની સંસ્કૃતિનો વિકાસ કુદરતી આફતો સામે જંગ લડવામાંથી જ થયો છે.
મને એક ઘટના યાદ આવે છે. ૨૦૦૧માં ગુજરાતમાં ભૂકંપ. અમદાવાદમાં ચાર-પાંચ માળનું એક મકાન તૂટી પડ્યું. તેવે સમયે એક માણસ લિફ્ટમાં હતો. લિફ્ટ ઊભી તૂટી પડી અને એની ઉપર બધો કાટમાળ. લિફ્ટ લગભગ એવી જ રહી, માણસ અંદર.
થોડા સમય પછી જેસીબી મશિન આવે છે, કાટમાળ હટાવે છે અને પેલા ફસાયેલા માણસને બહાર કાઢે છે.
પછી પેલો માણસ તરત જ બોલે છે કે એને ભગવાને બચાવ્યો!
આશ્ચર્ય! જેસીબી મશિને અને એ મશિન શોધનારા અને ચલાવનારા માણસોએ અને બીજા અનેક લોકોએ એને બચાવ્યો હતો, છતાં શ્રેય મળ્યું ભગવાનને કે જેણે એને મારવા માટે તો ભૂકંપ કર્યો હતો!
અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યનાં જંગલોમાં આગ લાગી અને તે લોસ એન્જેલસ જેવાં નાનાંમોટાં શહેરો સુધી ફેલાઈ ગઈ. કરોડો ડોલરનું નુકસાન અને હજારો લોકો ઘરબાર વગરના થઈ ગયા. તેવે સમયે કેટલાક મુસ્લિમો દ્વારા Facebook ઉપર એવી પોસ્ટ મૂકવામાં આવી રહી છે કે અલ્લાહ અમેરિકાને સજા કરી રહ્યો છે. તેમણે તેનું કારણ ગાઝા પટ્ટીમાં કાળો કેર વર્તાવી હજારો લોકોને મારી નાખનાર ઈઝરાયલને અમેરિકા ટેકો આપે છે તે જણાવ્યું છે. એટલે કે યહૂદી ઈઝરાયલ ગાઝાના મુસ્લિમોને મારે છે અને તેને ખ્રિસ્તી અમેરિકા ટેકો આપે છે તેથી જ આ આગ અલ્લાહે અમેરિકાને સજા કરવા લગાવી છે એમ આ મુસ્લિમો દ્વારા ગણાવવામાં આવી રહ્યું છે. જરા આ અંગે બુદ્ધિપૂર્વક વિચારીએ:
(૧) અમેરિકાના એક જ રાજ્યમાં આગ લાગી છે. અલ્લાહે એક જ રાજ્યમાં આગ લગાડી, એવું કેમ? બાકીનાં ૪૯ રાજ્યોને કેમ બાકી રાખ્યાં?
(૨) આ આગમાં મરનારાની સંખ્યા હજુ ૨૦થી વધુ થઈ નથી. જો કે, અલ ઝઝીરા નામની સમાચાર સંસ્થાના કહેવા મુજબ ગાઝામાં અત્યાર સુધીમાં ૪૬,૭૨૬ લોકો માર્યા ગયા છે. તો પછી અલ્લાહે આગમાં માત્ર ૨૦ જેટલા લોકોને જ મારી નાખવાનું કેમ પસંદ કર્યું? અલ્લાહે બરાબર વેર વાળવું જ હોય તો આગમાં મરનારા લોકો આટલા ઓછા કેમ?
(૩) હકીકત એ છે કે આગમાં આટલા જ લોકો મરી ગયા છે કારણ કે આપત્તિની ચેતવણી અને માણસોના બચાવની વ્યવસ્થાઓ અમેરિકામાં જડબેસલાક ગોઠવાયેલી લાગે છે. એમાં અલ્લાહે કશું કરવાનું રહેતું જ નથી. તો તો જે આ આગમાં બચી ગયા તેમને અલ્લાહે જ બચાવ્યા એમ કહેવું પડે. શું મુસ્લિમો એવું કહેશે ખરા?
(૪) શું અમેરિકા, અને હવે તો વીસમી તારીખ પછી ડોનાલ્ડ ટ્રમ્પ, અલ્લાહના આ કહેવાતા ખોફથી ડરી જશે, અને ગાઝાનું યુદ્ધ બંધ કરાવી દેશે? એવું તો નહિ જ થાય. તો પછી આ મુસ્લિમો એમ કહેશે કે હવે જે લોકો ગાઝામાં મરી જશે એ બધાને અલ્લાહે જ મરવા દીધા?
ઉપરોક્ત સવાલોના જવાબ સ્પષ્ટ છે અને તે એ છે કે કુદરતી પ્રક્રિયાએ કે માણસોની વિકાસલક્ષી ભૂલે આ આગ લગાડી છે. માણસો પોતાની ભૂલોમાંથી શીખે એ જ ઇચ્છનીય છે. એમાં અલ્લાહ, ગોડ, ઈશ્વર કે બીજા કોઈ ભગવાનની જરૂર છે જ નહિ. દુનિયામાં બધા જ ધર્મોના લોકો એમના ભગવાનોમાં ભલે માનવું હોય તો માને, પણ મનુષ્યોનાં સત્કૃત્યો કે દુષ્કૃત્યો માટે એ બધા ભગવાનોને જવાબદાર ના ગણાવે તો સારું. દરેક બાબતમાં ભગવાનો ક્યાંથી ટપકી પડે છે એ સમજાતું નથી.
Comments