નોર્વેના એક મહાન નાટકકાર હેનરિક ઇબ્સન (૧૮૨૮-૧૯૦૬). તેમનું ૧૮૮૨માં પ્રકાશિત થયેલું એક નાટક: 'An Enemy of the People' એટલે કે 'લોકોનો દુશ્મન'.
નાટકમાં એક પાત્ર ડોક્ટરનું છે. એનું નામ છે ડો. થોમસ સ્ટોકમેન. ડોક્ટરને ખબર પડે છે કે નગરમાં જે સ્નાનગૃહો છે તે ગંદાં છે અને લોકોના આરોગ્ય માટે ખતરનાક રીતે જોખમી છે, એમના ઉપયોગથી લોકોમાં ભયાનક રોગ ફેલાઈ શકે છે.
ડોક્ટર પછીથી આ સ્નાનગૃહો વિશે નગરજનોને માહિતી આપે છે. તે એમ સમજે છે કે લોકોને સત્ય જણાવવું એ તેની નૈતિક ફરજ છે. તેને એમ છે કે લોકો એ જાણશે તો પછી તેમનું જરૂરી સમારકામ થશે.
જો કે, તેમનો તરત જ ભારે વિરોધ થાય છે. ડોક્ટરનો ભાઈ પિટર જ નગરનો મેયર છે. તે તો તેનો વિરોધ કરે જ છે પણ તેની સાથે નગરના પ્રભાવશાળી રાજકીય લોકો અને ધનવાનો પણ તેના વિરોધમાં જોડાય છે.
ડોક્ટરનો વિરોધ કરનારા લોકો એવી દલીલ કરે છે કે જો સત્ય બહાર આવશે તો નગરની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગશે, નગરપાલિકાની આવક પણ ઘટી જશે અને એ રીતે નગરની આર્થિક સ્થિરતા જોખમાશે.
આ રીતે સત્ય કહેવાની ડોક્ટરની તાલાવેલી સ્થાપિત રાજકીય અને આર્થિક હિતો સાથે ટકરાય છે. સત્તાનશીન લોકો સત્યને કેવી રીતે ઢાંકે છે અને વિકૃત કરે છે તે આ નાટકમાં દર્શાવાયું છે.
સત્તા સાથે અસંમત થતો અવાજ દાબી દેવાનું બહુમતીનું વલણ કેવું છે તે પણ આ નાટક દર્શાવે છે. લોકોનો ખરો દુશ્મન કોણ: સત્ય કહેનાર ડોક્ટર કે સત્તાને ટેકો આપનારી મૂરખ બહુમતી?
આ નાટકના કેટલાક ધારદાર સંવાદો આ મુજબ છે:
(૧) બહુમતી કદી સાચી હોતી નથી. કદી નહિ, હું તમને કહું છું! સમાજનું આ એક જુઠ્ઠાણું છે. તેની સામે કોઈ સ્વતંત્ર અને બુદ્ધિશાળી માણસ બળવો કર્યા વિના રહે જ નહિ. લોકોમાં વધારે પ્રમાણ કોનું છે, બુદ્ધિશાળીઓનું કે મૂરખાઓનું?
(૨) આપણી વચ્ચે સત્ય અને સ્વતંત્રતાનો સૌથી ખતરનાક દુશ્મન જડ બહુમતી છે.
(૩) જગતનો સૌથી મજબૂત માણસ એ છે કે જે એકલો પણ ઊભો રહે છે.
(૪) બહુમતી હંમેશાં સાચી હોય છે એવા યુગો જૂના જુઠ્ઠાણા સામે હું બળવો પોકારું છું.
(૫) સત્તાની મૂર્તિનો આ નગરમાં ભાંગીને ભુક્કો કરવો જ જોઈએ.
(૬) હા, મને ખબર છે, તમે બૂમો પાડીને મને ચૂપ કરી શકો છો, પણ મને જવાબ નહિ આપી શકો. બહુમતી પાસે તાકાત છે, પણ કમનસીબે તેની પાસે સચ્ચાઈ નથી.
Comments