થોડા દિવસો પહેલાં ખંડેરાવ માર્કેટ, વડોદરા પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ માસિક 10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે.
ગુજરાતમાં કરાર આધારિત કર્મચારીઓને રજા પણ મહિનાની એક જ મળે, ડિલેવરીની રજાઓ નહીં, અન્ય રજાઓનો લાભ પણ નહીં !અન્ય આર્થિક લાભ પણ નહીં. પેન્શન નહીં વગેરે -- ટૂંકમાં પગાર સિવાય કોઈ જ લાભ નહીં અને જો આ કર્મચારીઓ આઉટસોર્સિંગ પધ્ધતિથી કામ કરતો હોય તો પગાર રજીસ્ટરમાં વધારે અને વાસ્તવિકતા પર અડધો. બધુ જ પેપર પર! હવે કેટલાંક સરકારી પ્રોજેક્ટમાં કામ કરતાં 58 ના થયાં તો ફરજિયાત નિવૃત્ત કરી રહયાં છે. કેટલો અન્યાય ! ક્યાં લડવું ? કોની સામે લડવું ? કાયમી કર્મચારીઓ બધુ જ કામ કરાર આધારિત કર્મચારીઓ પાસે જ કરાવે . એ લોકો સરકારના ભણેલા ગુલામ.
કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક , માનસિક અને જાતીય શોષણ સામાન્ય ઘટના છે , એ માત્ર કરાર આધારિત મહિલા કર્મચારીઓ જ નહીં પુરુષ કર્મચારીઓ પર આ ઘટે છે . પુરુષ કર્મચારી એવું કહીને છોડી દે , “ સાલો બધી રીતે રાક્ષસ છે “ એવું બોલે અને એના આખા ચહેરા પર વેદના ફરી વળે અને આપણે સમજી જવાનું .
એમાં સૌથી ખરાબ હાલત મહિલા કર્મચારીઓની થાય કેમ કે એક તો એ કરાર આધારિત નોકરી કરે છે અને એ મહિલા છે એટલે તેણીને સુરક્ષા કે સલામતીના ભોગે કામ કરવું પડે છે.
મે પોતે કરારઆધારિત નોકરી કરી છે. આખા રાજ્યની પ્રાથમિક શાળાઓનું કન્યા શિક્ષણ , પૂર્વપ્રાથમિક શિક્ષણ અને સમુદાયોનું અભિપ્રેરણ હું સંભાળી રહી હતી. ઓફિસસમય મારા માટે નિયત ન હતો. ના આવવાનું અને ના જવાનો સમય. તણાવ પણ એટલો. મારા વખતે જ બે નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા હતાં. કેજીબીવી(KGBV) અને એનપીઇજીએલ (NPEGEL). હું અને મારી ટીમ જાણે 24 કલાકની નોકરી કરી રહ્યા હતાં. ખૂબ મહેનત કરી હતી. કન્યાશિક્ષણનો દર વધ્યો, ખાસ કરીને જે અતિછેવાડાની જે કન્યાઓ હતી જેને ક્યારેય શાળાનો દરવાજો જોયો ન હતો એને અમે ઔપચારિક શિક્ષણ તરફ ખેંચી લાવ્યા એ અમારી ખૂબ જ મોટી સિદ્ધિ હતી . એક પગ રાજ્ય ઓફિસમાં અને એક પગ વિવિધ ગામડાઓમાં . પણ અમને એટલો ઓછો પગાર મળતો હતો કે માંડમાંડ પૂરું થાય અને ભેદભાવ પણ ખૂબ જ સહન કરવો પડે. એકવાર હું મારા એડિશનલ ડાયરેક્ટરને પગારની વાત કરવા ગઈ તો મને તુચ્છકારથી કહે, “ તમે લોકો તો રૂ. 2000 માટે પણ લાયક નથી” એટલું ખરાબ લાગ્યું કે ચાર દિવસ હું સૂઈ શકી ન હતી. આભાર મીનાબેન ભટ્ટ જે મારા નિયામક હતાં એમને મારો પગાર વ્યવસ્થિત મળે માટે એમણે પ્રયત્ન કર્યા અને મારો પગાર વધ્યો. બધાંનું આવું નસીબ હોતું નથી.
છોકરીઓ મારી આગળ ફરિયાદ કરતી કે કેટલાંક પુરુષ કર્મચારીઓ એવી રીતે એમણે જુવે છે કે દિલ બેસી જાય. પુરુષ કર્મચારીઓની શરૂઆતમાં નજર મહિલા કર્મચારીની છાતી પર જ હોય અને પછી આંખોમાં જુવે. કેટલાંક અધિકારીઓ આ મહિલા કર્મચારીઓને પોર્ન ફિલ્મ અને અશ્લીલ પિક્ચર્સ મોકલતા, મારો આવા અધિકારીઑ સામે લડતાંલડતાં દમ નીકળી જતો. ખૂબ જ હિંમત રાખીને નોકરી કરવી પડતી. હું કેટલાંક અધિકારીઓને મળવા જાઉ તો ઘોડા ફાઇલ મારી છાતી પર મૂકીને ફરતી અને જિલ્લામાં કામ કરતી મહિલા કર્મચારીઓ પણ આ જ કરતી.
એક આઈએસ ઓફિસરને એવી ટેવ હતી કે એ જમવા બેસે ત્યારે સામે એક કરાર આધારિત નોકરીને બોલાવે અને એ વાત કરે ત્યારે એને સાંભળવાનું અને એમના માટે પીવાનું પાણી લાવવાનું અને હાથ ધોવડાવવાના !એ છોકરી જ્યારે એ ઓફિસરની રૂમમાં જાય ત્યારે અન્ય સ્ટાફ એવી રીતે જુવે કે જાણે કોઈ વેશ્યા શરીર વેચવા જતી હોય ! બે છોકરીઓ આ બાબતને લઈને એક અતિઉચ્ચ સ્થાને મહિલા આઇએએસ અધિકારીને ફરિયાદ કરવાં ગઈ તો એમને ખૂબ જ ખરાબ શબ્દોમાં ધમકાવ્યા , આ ખુદ પીડિત મહિલાએ મને વાત કરી હતી. એનો પતિ એના પર સખત વહેમ કરવાં લાગ્યો અને એ પોતે ખૂબ જ ઉચ્ચ શિક્ષણ લીધેલું હોવાં છતાં નોકરી છોડી દીધી. મને કહે “હું તમને કહીને મારું દિલ હલકું કરવાં માંગુ છું બાકી મારે કોઈ જ પગલાં લેવા નથી અને મહેરબાની કરીને કોઈને મારુ નામ દઈને વાત કરતાં નહીં . “
મે એવું પણ બહુબધુ જોયું છે કે સીએજીનું ઓડિટ આવે કે અન્ય કોઈ તપાસ આવે તો ખાસ કરીને કરાર આધારિત રૂપાળી મહિલા કર્મચારીઓને એમની તહેનતમાં મૂકે અને એ બિચારી સહન કરે. બે મહિલા કર્મચારીઓ ખૂબ જ રૂપાળી ;એમને આ ઓડિટ આવ્યું તો ટાઈપ કરવાં એમને એમની હોટેલમાં એકલા મોકલી આપ્યા. આ છોકરીઓ કહે “ એ લોકો ખૂબ સારા હતાં. પણ અમને એવું લાગતું હતું કે અમારું શરીર અને આત્માને કોઈ વીંધી રહ્યું છે . “
કેજીબીવી ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં અને સમગ્ર સ્ટાફ કરાર આધારિત એટલે મને મહિલા શિક્ષકો અને છોકરીઓ મારા આમાટે સદાય ચિંતાનો વિષય રહેતો. ખૂબ જ વગદાર રાજકીય નેતાઓ, ધાર્મિક નેતાઓ કેજીબીવીમા મુલાકાતે જતાં અને બહેનો અડપલાની ફરિયાદ કરતી, અધિકારીઑ પણ . એક વાર કચ્છ જિલ્લામાં ચૂંટણી હતી અને બે-ત્રણ અધિકારીઑ ફૂલ પીધેલા અને કેજીબીવી સ્કૂલમાં રહેવા માટે બારણું ખોલવા જણાવ્યું અને જ્યારે શિક્ષિકાઓએ ના પાડી તો એટલા બધાં એમને ધમકાવ્યા કે બહેનો ડરી ગઈ પણ દરવાજો ન જ ખોલ્યો. દરવાજો ખોલ્યો હોત તો શું થતું તે કલ્પના કરતાં ધ્રુજી જવાય.
આ બધાં એકએક જ ઉદહારણ આપ્યા છે કે જેથી શોષણનો પ્રકાર સમજી શકાય. આવા તો રોજ ઢગલાબંધ કેસ બનતા હોય છે.
આ શોષણનો નવો પ્રકાર છે. કેવી રીતે લડવું ? કરાર આધારિત કર્મચારીઓ માટે લડવું ખૂબ જ મુશ્કેલ છે કેમ કે કરારની શરતો જ એવી છે કે કર્મચારીઓ કશું જ ન કરી શકે. ઘેંટાના ટોળાની જેમ નોકરી કરે રાખો. ગુજરાતમાં કામ કરતાં દરેક કરાર આધારિત કર્મચારી ઊભો થઈને કે ઊભી થઈને સંગઠિત થઈને નહીં લડે તો શોષણ હજી પણ ખરાબ થવાનું છે.
Comments