નલ સે જલ યોજના અંતર્ગત તમામ ગામોમાં શું કામગીરી થઈ છે? વાસમોની વેબસાઇટ પર જાહેર કરવા માહિતી આયોગનો હુકમ
- રાજ્યના ગ્રામજનો આ યોજના હેઠળ તેમના ગામોમાં થયેલ કામગીરીથી વાકેફ હોય તે માટે પ્રો-એક્ટિવ ડિસ્ક્લોજરના ભાગરૂપ યોજના શરૂ થઈ ત્યારથી અત્યારસુધીની વર્ષવાર જીલ્લા, તાલુકા, ગામપ્રમાણે થયેલા કામગીરીની વિગતો જાહેર કરવી જરૂરી.
- પ્રો-એક્ટિવ ડિસ્ક્લોજર તૈયાર કરવા અત્યારસુધી GAD દ્વારા અપાયેલ પરીપત્રોનો WASMO એ અમલ કર્યો નથી.
માહિતી અધિકાર કાયદો નાગરિકોને અધિકાર આપે છે, કે તેઓ જાહેર નાણાંનો હિસાબ અને તેના થકી થયેલા કામોની માહિતી મેળવી શકે. ભરુચના એક અરજદારે WASMO અંતર્ગત વાસમો દ્વારા અમલ થતી જલ જીવન મિશન જલ સે નલ યોજના અંતર્ગત કેટલા ઘરોમાં નળ કનેક્શન મળ્યું? કેટલા તાલુકા, કેટલા ગામોમાં ભૂગર્ભ સંપ, પંપઘરો, અને પાઇપલાઇનનું કામ કરવામાં આવેલ છે? 2019-2023 સુધી આ યોજનામાં કઈ કઈ ગ્રાન્ટની રકમ વાપરી છે? અને આ યોજનમાં જે અજન્સીઓએ કામ કરેલ છે તેના નામ વગેરે 7 મુદ્દાની વિગત 26/5/2023 ના રોજ RTI અરજી થકી વાસ્મો ભરુચ જીલ્લા કચેરીપાસે માંગી હતી.
અરજદારને ઉપરોક્ત કામગીરી પાણી સમિતિ દ્વારા કરવામાં આવે છે, તેવું કારણ દર્શાવી માહિતી પાણી સમિતિઓ પાસેથી લેવામાટે કહ્યું હતું. અરજદારને પ્રથમ અપીલ સત્તાધિકારીશ્રીનું નામ સરનામું વગેરે વિગત પણ આપવામાં આવી ન હતી. અરજદાર દ્વારા જીલ્લામાંજ પ્રથમ અપીલ કરતાં તેમને ગાંધીનગર અપીલ કરવા જણાવવામાં આવ્યું હતું.
આ બાબતે અરજદારે બીજી અપીલ કરતાં તા. 4/9/2024 ના રોજ માહિતી આયોગ ખાતે બીજી અપીલની સુનાવણી રાખવામા આવી હતી. તેમાં અરજદાર, જાહેર માહિતી અધિકાર અને પ્રથમ અપીલ સત્તાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
ઉપરોક્ત કેસમાં રાજ્ય માહિતી આયોગના માહિતી કમિશ્નર, શ્રી નિખિલ ભટ્ટ દ્વારા એક નોંધપાત્ર ચુકાદો આપવામાં આવ્યો છે. સુનાવણી દરમ્યાન ગુજરાત આયોગે નોંધ્યું કે ‘જલ સે નલ’ યોજનામાં કોઈ નાગરિકને જાણવું હોય કે તેના ગામમાં શું શું કામગીરી થઈ છે, તો તે માહિતી વાસ્મોની વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. હકીકતમાં માહિતી અધિકાર કાયદાની કલમ 4(1) ખ ના મેન્યુઅલ 11,12,13 પ્રમાણે યોજનાઓ, તેમાં થયેલ ખર્ચ, ચૂકવેલા નાણાં, ફાળવેલી રકમો, આપેલ પરવાનગીઓ, અધિકૃતિઓ વગેરે વિગત સામેથી ચાલીને જાહેર કરવાની થાય છે. આયોગે તેમના ચુકાદામાં જણાવ્યુ કે આ પ્રકારે દરેક સત્તામંડળે પ્રો-એક્ટિવ ડિસ્ક્લોજર કરવા ફરજીયાત છે. પણ વાસમો દ્વારા કબુલ કરવામાં આવ્યું કે આ માહિતી આજની તારીખમાં વાસ્મોની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી.
આયોગે વધુમાં નોંધ્યું છે કે 4(1) ખ મુજબ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોજર (PAD) તૈયાર કરી વેબસાઇટ પર પ્ર્રસિદ્ધ કરવા અંગે સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 10 ઉપરાંત પરીપત્રો કર્યા છે. જેનો વાસ્મો દ્વારા અમલ કરવામાં આવેલ નથી. ઉપરાંત સર્વોચ્ચ અદાલતના રીટ પિટિશન સિવિલ નં. 990/2021 માં પણ સામેથી ચાલીને જાહેર કરવાની થતી માહિતીના અમલીકરણ માટે માહિતી આયોગને સૂચના આપેલ છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈને આયોગે હુકમ કર્યો છે, કે રાજ્યના ગ્રામજનો આ યોજના હેઠળ તેમના ગામોમાં થયેલ કામગીરીથી વાકેફ હોય તે માટે પ્રો-એક્ટિવ ડિસ્ક્લોજરના ભાગરૂપ યોજના શરૂ થઈ ત્યારથી અત્યારસુધીની વર્ષવાર જીલ્લા, તાલુકા, ગામપ્રમાણે થયેલા કામગીરીની વિગતો જાહેર કરવી જરૂરી બને છે. અને તેથી વાસ્મો એ ગુજરાત ના તમામ ગામોમાં જલ સે નળ અંતર્ગત શું શું કાગમીરી થઈ તે નાગરીક્ને માહિતી મળે તે માટે તે વિગતો 30 દિવસમાં વેબસાઇટ પર અપલોડ કરવાની રહેશે. તેમજ ત્યાબાદ તેને સમયાંતરે અપડેટ કરવાની રહેશે. આયોગે વધુમાં જણાવ્યુ છે કે વાસ્મોની વેબસાઇટ પર ઉપરોક્ત વિગતો જાહેર કર્યા બાદ તેને બહોળી પ્રસિદ્ધિ આપવી જેથી કરીને માહિતી અધિકાર અધિનિયમ 2005 ના આમુખમાં દર્શાવેલ વિભાવના ચરિતાર્થ થઈ શકે. .
Comments