લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?
નડિયાદના રેશનાલિસ્ટ ડો. જેરામ દેસાઈએ 2006માં એક ક્રાંતિકારી પુસ્તક લખ્યું છે : ‘વહેમ-અંધશ્રદ્ધા નિષેધ’ આ પુસ્તક દરેક ઘરમાં/ દરેક લાઈબ્રેરીમા હોવું જોઈએ. તેની કિંમત રુપિયા 175 છે. આ પુસ્તક ‘બાસ્કેટબોલ’, 9 ઉમેદનગર સોસાયટી, નાના કુંભનાથ રોડ, નડિયાદ- 387001નો સંપર્ક કરવાથી મળી શકશે. (ફોન સંપર્ક : +91 878-0385795/ +91 99259 24816/ 0268 2526499) આ પુસ્તકની pdf પણ ઉપલબ્ધ છે.
કેનેડાના Mississaugaથી ‘ગુજરાત વીક્લી’ સાપ્તાહિક પ્રકાશિત થાય છે. આ સાપ્તાહિકના 19 જુલાઈ 2024ના અંકમાં રાશિભવિષ્ય છે. ટૂંકસાર જોઈએ : “મેષ : ઓછી મહેનતે વધુ નાણાં કમાઈ શકશો. જીવનસાથી ઉપયોગી રહેશે. સંતાનોથી સંતોષ જણાય. વૃષભ : આર્થિક ચુકવણીની ચિંતા રહેશે. તંદુરસ્તીની ખાસ કાળજી રાખવી. મિથુન : નાણાકીય બાબતોને પહોંચી વળવા વધુ મહેનત કરવી પડે. સામાજિક જવાબદારીઓમાં વધારો થાય. નોકરિયાતોને કામનો બોજો વધે. કર્ક : વાહન દ્વારા લાભ મળે. ઘરના અંગત કાર્યો પાર પાડવામાં સમય ફાળવવો પડે. મિત્રો મદદરુપ રહેશે. નોકરિયાત માટે સારો સમય. ધન : આર્થિક મૂંઝવણો વધશે. કામનો બોજો વધારે રહેશે. લોકોને આપવાના નાણાંની ચિંતા વધશે. મકર : પ્રતિષ્ઠા અને કીર્તિ વધારવા તરફ આપનું વલણ રહેશે. કુંભ : આવકનું પ્રમાણ વધારી શકશો, છતાં અણધાર્યા ખર્ચાઓ આવશે. પોતાની જાત અંગે વધુ કાળજી લેવાની જરુર પડે. મીન : આપ વધુ વ્યસ્ત રહેશો. નાણાં મોટા પ્રમાણમાં આવશે તેમ જ તેનો વ્યય પણ મોટા પ્રમાણમાં થશે. નાણાંનો બિનજરુરી વ્યય તકલીફો ઊભી કરી શકે. મોભો સાચવવા ખર્ચ વધે.”
આ ભવિષ્ય છે કે હ્યુમન સાયકોલોજી? જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું ! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે ! એટલું જ નહીં જ્યોતિષીઓ મનગમતા અર્થો કાઢી શકાય તેવી ગોળગોળ/ છેતરામણું ભવિષ્ય ભાખે છે જ્યારે આપણે જ્યોતિષશાસ્ત્રના કોઈપણ ગોલ્ડ મેડલ વિના સચોટ/ ધારદાર ભવિષ્યવાણી કરી શકીએ !
- વડાપ્રધાન મોં ખોલશે તરત જ જૂઠાણાંનો પરિચય થશે! અદાણી/અંબાણીની આવકમાં સતત વધારો જોવા મળશે અને ઉપલો મધ્યમવર્ગ નીચલા મધ્યમવર્ગમાં આવશે, નીચલો મધ્યમવર્ગ ગરીબ બનશે, ગરીબ સરકારી અનાજના આશરે આવશે ! સડક તૂટશે, પૂલ તૂટશે, શાળા તૂટશે, હોસ્પિટલ તૂટશે, પરંતુ ‘કમલમ’માં વાળ જેટલી પણ તિરાડ નહીં પડે !
- પોલીસ ચોર પકડશે, લૂંટારા પકડશે, વ્યભિચારી-ભ્રષ્ટાચારી પકડશે પણ સત્તાપક્ષ સાથે જોડાયેલ આરોપીઓની લાજ કાઢશે ! પોલીસ ગરીબ/ લાચાર/ દલિત/ આદિવાસીને ઢોરમાર મારશે પણ સત્તાપક્ષના નેતાનો બર્થ ડે ઊજવશે ! યુવાનો રાતદિવસ મહેનત કરશે, ઊજાગરા કરશે, સ્પર્ધાત્મક પરીક્ષા આપશે પણ પેપર અચૂક ફૂટશે !
- ખેડૂતોની ડબલ આવકની વાતો થશે પણ આત્મહત્યાનું પ્રમાણ ડબલ થશે ! સરકારી કચેરીના કામે જશો તો લાંચની માંગણી અચૂક થશે, લાંચ નહીં આપો તો કામમાં વિલંબ ચોક્કસ થશે ! ધાર્મિક સ્થળોમાં દાન કરશો તો પુજારીઓમાં પ્રદૂષણ વધશે ! કોઈ નેતા જો ચૂંટણીમાં રામનું નામ લઈ મત માંગે તો તે ચૂંટાયા બાદ રાવણને શરમાવે તેવા કામો કરશે !
- ડોલરના મુકાબલે રુપિયો સતત ગગડશે ! તમને સરકારી નોકરી મળે તો કાયમ રાહત થઈ જશે ! ગરીબો પર કામનો બોજો વધારે રહેશે. લોકોને આપવાના નાણાંની ચિંતા સતત વધશે ! ગરીબોને અણધાર્યા ખર્ચાઓ આવશે અને ધનવાનોને ખર્ચ ક્યાં કરવો તેની ચિતા રહેશે ! ગરીબો સમૂહલગ્નમાં જોડાશે અને ધનવાનો 6 મહિના સુધી પ્રિવેડિંગથી લગ્નની ઊજવણી કરશે !
- ગરીબો/ મધ્યમવર્ગ માટે નાણાંનો બિનજરુરી વ્યય તકલીફો ઊભી કરી શકે પણ ધનવાનો માટે વડાપ્રધાન/ કોર્પોરેટ કથાકારો/ શંકરાચાર્ય/ ફિલ્મ અભિનેતાઓના આશીર્વાદ મેળવવાનો અવસર બની જશે ! ‘મંગળસૂત્ર/ ભેંસ લઈ જશે’ તેવો ડર બતાવનાર વડાપ્રધાન લોકોના અધિકારો જરુર છીનવી લેશે !
- ‘એક અકેલા ભારી’ અને ‘વિપક્ષો મારું ગળું દબાવી રહ્યા છે’ એવું વિરોધાભાસી વડાપ્રધાન બોલશે તો પણ લોકો તાળિઓ પાડશે ! ગોદી મીડિયા ચમત્કાર કરશે જેથી વિપક્ષ કંઈ બોલે તો તેને દેશદ્રોહીનું લેબલ મારવાનું અને વડાપ્રધાન કંઈ પણ બોલે તો તાળીઓ પાડવાનું લોકોને વ્યસન થઈ જશે !
- બળાત્કારી પોતાના પક્ષના MLA/ MP હશે તો બહુબોલકા વડાપ્રધાનના ગળામાંથી અવાજ નિકળતો બંધ થઈ જશે ! તમારી સાથે અદાણી/અંબાણી જેવા સુટ-બુટવાળા મિત્રો હોય તો આવડત/ ડીગ્રી વિના પણ આવડત/ડીગ્રીવાળાને ધૂળ ચાટતાં કરી શકશો ! ગરીબ લોકો મોભો સાચવવા થીંગડા મારશે અને વડાપ્રધાન મોભો સાચવવા રોજે રોજ કરોડો રુપિયા ખર્ચ કરશે !
---
*સ્રોત: ફેસબુક
Comments