ડૉ. બાબાસાહેબ આંબેડકરે સ્વયં ને થયેલાં અનુભવો નું વર્ણન કરવાની શરૂઆત અમેરિકા અને યુરોપ થી 1916 માં પરત આવ્યા નાં લગભગ અઢાર વીસ વર્ષ બાદ એટલે કે કદાચિત 1935-1936 માં કરી હતી.
23 સપ્ટેમ્બર, ડૉ બાબાસાહેબ આંબેડકર નાં જીવન નાં એ બધાં જ અમાનવીય, ઘૃણાસ્પદ અનુભવો નું સૌથી ઘૃણાસ્પદ પ્રકરણ છે. કેટલાંક સમયથી સંકલ્પ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે, વડોદરા નાં એ ચોક્કસ સ્થાન ને સંકલ્પ ભૂમિ નું નામકરણ કરવામાં આવ્યું છે અને ડૉ. બાબાસાહેબ આંબેડકર નાં વડોદરા નાં અનુભવ વિશે પ્રચાર અને પ્રસાર થાય છે ત્યારે સ્વયં ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતે પોતાના વડોદરા નાં અનુભવ કેવી રીતે વર્ણવ્યા છે એ વાંચવા, જાણવા, સમજવા મળશે એ વિચાર જ આંદોલિત કર્તા અને ઉત્તેજના પ્રેરક છે એ વિચાર થી તથા સાથે સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકર નાં લખાણો થી પ્રેરણા મેળવી ને જીવન નાં વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં માર્ગદર્શન સમાજ તથા દેશે પહેલાં મેળવ્યું જ છે તેથી સમાજ નાં પ્રત્યેકને આ પુસ્તક નો પરીચય થાય તથા કઠિન પરિસ્થિતિમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર નાં વિચાર તથા આચરણ ને સમજી શકાય એવી આશા સાથે આ પુસ્તક માં ડૉ બાબાસાહેબ આંબેડકરે સ્વયં વર્ણવેલા એમનાં વડોદરા નાં અનુભવ નું ગુજરાતી અનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ છે. હવે પછી નું વર્ણન ડૉ. બાબાસાહેબ આંબેડકર નાં શબ્દો માં જ છે.
***
હું 1916 માં ભારત પરત આવ્યો. મને વડોદરા નાં હીઝ હાઈનેસ મહારાજા એ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માં આવ્યો હતો. મેં ન્યુયોર્ક ની કોલંબિયા યુનિવર્સિટીમાં 1913 થી 1917 સુધી અભ્યાસ કર્યો. હું 1917 માં લંડન આવ્યો અને લંડન યુનિવર્સિટી ની સ્કુલ ઓફ ઇકોનોમિક્સ નાં અનુસ્નાતક ડિપાર્ટમેન્ટ માં અભ્યાસ શરૂ કર્યો. 1918 માં મારે અભ્યાસ પૂરો કર્યા વગર ભારત પરત આવવું પડ્યું. મને અભ્યાસ વડોદરા રાજ્ય દ્વારા કરાવવામાં આવ્યો હતો તેથી હું વડોદરા રાજ્ય ને સેવા આપવા બંધાયેલો હતો. (નોંધ : અહીં સમયગાળા, તારીખ મુંઝવણ ઉભી કરે છે.)
તદાનુસાર, મારાં આગમન સાથે જ હું સીધો જ વડોદરા પહોંચી ગયો. મારાં વર્તમાન હેતુથી મેં શા માટે વડોદરા છોડ્યું એ કારણો તદ્દન અસંગત છે તેથી હું તેમાં પડવા નથી માંગતો. હું વડોદરા નાં મારાં સામાજિક અનુભવો થી જ સંબંધ રાખું છું અને હું તેનું વર્ણન કરવામાં મારી જાતને માર્યાદિત રાખીશ.
મારાં પાંચ વર્ષ નાં અમેરિકા અને યુરોપ નાં અભ્યાસ દરમિયાન મારાં મગજમાં થી હું અસ્પૃશ્ય છું અને એક અસ્પૃશ્ય ભારતમાં ક્યાંય પણ જાય તેનાથી તેને પોતાને તથા અન્ય માટે મુશ્કેલી થાય છે એ મારાં માનસ માંથી સંપૂર્ણ રીતે ભૂંસાઈ ગયું હતું. પરંતુ જ્યારે હું સ્ટેશન પર ઉતર્યો ત્યારે ક્યાં જવું ? કોણ મને લઈ જશે ? એ પ્રશ્નોથી મારું મન વ્યગ્ર થઈ ગયું હતું. હું આંદોલિત અનુભવતો હતો. મારાં ધ્યાનમાં એ હતું કે વિશી નામે ઓળખાતી હિંદુ હોટેલો અહીં છે. તેઓ મને રાખતાં નહોતાં. ત્યાં આવાસ મેળવવા નો એક માત્ર રસ્તો અન્ય વેશ ધારણ કરવાનો હતો, પરંતુ મારી ઓળખાણ છતી થઈ જશે તો ! જે થવાનો મને વિશ્વાસ છે, તો શું પરિસ્થિતિ ઊભી થશે તે હું જાણતો હોવાથી એને માટે તૈયાર નહોતો.
મારી સાથે અમેરિકા માં ભણતા હતા એવાં મારાં મિત્રો વડોદરામાં હતાં. “હું એમને ત્યાં જાઉં તો તેઓ મને આવકારશે ?” હું મારી જાતને આ ખાતરી આપી શક્યો નહીં. તેઓ કદાચ તેમનાં ઘરમાં એક અસ્પૃશ્ય ને પ્રવેશ આપતાં શરમ અનુભવી શકે છે. ક્યાં જવું ? શું કરવું ? એવું વિચારીને હું થોડો સમય સ્ટેશન ની છત નીચે ઊભો રહ્યો. ત્યાં અચાનક મને વિચાર આવ્યો કે કેમ્પમાં કોઈ સ્થાન છે કે એની તપાસ કરું. બધાં જ પ્રવાસીઓ ત્યાંથી ચાલ્યા ગયાં હતાં, હું એકલો જ ઊભો હતો. જે કેટલાંક હેકની (ઘોડાગાડી) ડ્રાઈવરો જેમને મુસાફર નહોતાં મળ્યા તેઓ મારી તરફ જોતાં મારી રાહ જોઈ રહ્યા હતાં.
મેં એમાંના એક ડ્રાઈવર ને બોલાવ્યો અને પુછ્યુ કે કેમ્પમાં કોઈ હોટલની એને જાણકારી છે કે કેમ. તેણે કહ્યું અહીં એક પારસી ઈન છે જે પેઈંગ ગેસ્ટ ને રાખે છે. એક ઈન (ધર્મશાળા ?) છે જે પારસીઓ દ્વારા ચલાવવામાં આવતી કોઈ ઈન (ધર્મશાળા ?) છે એવું સાંભળીને મારું મન પ્રસન્ન થઈ ગયું. પારસીઓ ઝોરાસ્ટ્રીયન ધર્મના અનુયાયીઓ છે. મારી સાથે એક અસ્પૃશ્ય જેવો વ્યવહાર કરવામાં આવશે એવો ડર નહોતો કારણકે તેઓનાં ધર્મમાં અસ્પૃશ્યતા ને સ્થાન નથી મળતું. આશા ભર્યા પ્રફુલ્લિત હ્રદયે તથા મગજમાં થી ડર કાઢીને મેં મારો સામાન હેકની (ઘોડાગાડી) માં મુક્યો અને ગાડી ચલાવનાર ને કેમ્પમાં આવેલી પારસી ઈન (ધર્મશાળા) માં લઈ જવાનું કહ્યું.
પારસી ઈન (ધર્મશાળા) બે માળનું મકાન હતું. ભોંયતળિયે એક વૃદ્ધ પારસી એમનાં પરિવાર સાથે રહેતાં હતાં. તે વૃદ્ધ પારસી ઈન (ધર્મશાળા) નું ધ્યાન રાખવાનું તથા ઈન (ધર્મશાળા) માં આવતાં મુસાફરોને જમવાની સગવડ કરી આપતાં હતાં. ગાડી આવી ગઈ અને પેલાં ઈન નું ધ્યાન રાખતાં પારસી એ મને ઉપર નો માળ બતાવ્યો. હું બીજે માળે ગયો ત્યાં ગાડી ચાલક મારો સામાન ઉપર લઈ આવ્યો. મેં એને ભાડું ચુકવ્યું અને એ ચાલી ગયો. હું હર્ષિત થયો કેમકે છેવટે મેં મારી રહેવા ની જગ્યા ની સમસ્યાનો ઉકેલ શોધી લીધો હતો. સરળતા રહે તે માટે મેં કપડાં બદલ્યાં, એટલામાં જ ઈન નાં કેરટેકર પોતાના હાથમાં ચોપડો લઈને આવી પહોંચ્યા, મારાં અર્ધખુલ્લા શરીર પર એ સ્પષ્ટ રીતે જોઈ શકે તેમ હતાં કે મારાં શરીર પર સદરો અને કસ્તી નથી જે બંને વસ્તુઓ એક વ્યક્તિ ને પારસી હોવાનું સાબિત કરે છે. એમણે તિક્ષ્ણ સ્વરે મને પુછ્યું હું કોણ છું ?
આ ઈન (ધર્મશાળા) પારસી સમાજ દ્વારા માત્ર પારસીઓ માટે ચલાવવામાં આવતી હતી તે નહોતો જાણતો તેથી મેં કહ્યું કે હું હિંદુ છું. એ ચોંકી ઉઠ્યા અને કહ્યું કે હું આ ઈન (ધર્મશાળા) માં રહી શકું નહીં. એમનાં આ ઉત્તર થી હું આશ્ચર્યચકિત અને બધી રીતે ઠંડો પડી ગયો. ફરીથી એ જ પ્રશ્ન ઘુમરાવા માંડ્યો, ક્યાં જવું ? મેં તેમને કહ્યું કે હિંદુ હોવા છતાં મને ત્યાં રહેવામાં કોઈ જ વાંધો નથી જો તેમને નાં વાંધો હોય તો. તેમણે ઉત્તર વાળ્યો, તમે કેવી રીતે રહી શકો ? આ ઈન માં જેટલાં પ્રવાસીઓ રોકાય તેમનું મારે આ રજીસ્ટર જાળવવા નું હોય છે. હું એમની મુશ્કેલી જોઈ શક્યો. મેં કહ્યું હું રજીસ્ટર માં લખવા નાં હેતુથી પારસી નામ રાખી લઉં છું. જો મને કોઈ વાંધો નથી તો આપને શું વાંધો હોઈ શકે ? તમારે કશું જ ગુમાવવા નું નથી, જો હું અહીં રોકાઈશ તો તમે પણ થોડુંક કમાઈ શકશો.
હું એમનો મારી તરફેણ માં ઝુકાવ જોઈ શક્યો. દેખીતી રીતે જ એમને ત્યાં ઘણાં વખતથી કોઈ પ્રવાસી નથી આવ્યાં અને તે પણ થોડા નાણાં કમાઈ લેવાની તક ગુમાવવા નહોતાં માંગતા. આખરે તેઓ એ શરતે સહમત થયાં કે મારે રોજનો દોઢ રૂપિયો એમને રહેવા જમવા નો ચુકવવો તથા રજીસ્ટર માં પારસી તરીકે નામ લખવું. તેઓ સીડીઓ ઉતરી નીચે ગયાં અને મેં રાહતનો ઊંડો શ્વાસ લીધો. સમસ્યાનો ઉકેલ આવી ગયો હતો અને મને હર્ષ ની લાગણી થતી હતી. પરંતુ અરે ! હું એ નહોતો જાણતો કે આ હર્ષ કેટલો ટુંકો નીવડશે. મારાં નિવાસ નાં દુઃખદ અંતનુ નિરૂપણ કરું એ પહેલાં મેં અહીં જે થોડોક સમય વિતાવ્યો છે એનું વર્ણન ચોક્કસ કરવું જોઈએ મારે.
ઈન (ધર્મશાળા) નાં પ્રથમ (બીજા) માળ ઉપર એક બેડરૂમ હતો, તેને સંલગ્ન એક નાનું બાથરૂમ હતું, એમાં પાણી નો નળ હતો, બાકી એક મોટો હૉલ હતો. જ્યાં સુધી હું ત્યાં રહ્યો ત્યાં સુધી એ મોટો હૉલ કચરો, પાટીયા, પાટલીઓ, તુટેલી ખુરશીઓ વગેરે થી ખીચોખીચ ભરાયેલો હતો, આસપાસ આ બધાં ની વચ્ચે હું રહેતો હતો, એકલો એકાંતમય. કેરટેકર સવારમાં ચા નો કપ લઈને ઉપર આવતાં, પછી ફરીથી લગભગ 9:30 વાગ્યે મારાં માટે નાસ્તો અથવા સવારનું ભોજન લઈને આવતાં, સાંજે લગભગ 8:30 વાગ્યે ત્રીજી વખત કેરટેકર રાત્રીનું ભોજન આપવા ઉપર આવતાં હતાં. કેરટેકર ઉપર આવવા નું ટાળી શકાય એમ નાં હોય ત્યારે જ ઉપર આવતાં, અને આ પ્રસંગોમાં ક્યારેય એ મારી સાથે વાત કરવા રોકાતા નહીં. દિવસ ગમેતેમ કરીને નીકળી જતો.
વડોદરા નાં મહારાજા એ મારી નિમણૂંક એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં પ્રોબેશનર તરીકે કરી. હું સવારે લગભગ 10 વાગ્યે ઓફિસ જવા ઈન થી નીકળી જતો અને સાંજે મોડેથી લગભગ 8 વાગ્યે પાછો જતો. ઈન (ધર્મશાળા) માં ઓછો સમય વિતાવવો પડે તે માટે હું મિત્રો સાથે બને એટલો સમય પ્રયત્નપૂર્વક બહાર પસાર કરતો. ઈન (ધર્મશાળા) માં પરત ફરીને રાત વિતાવવા નો વિચાર અત્યંત ભયંકર હતો મારાં માટે, અને હું ઈન માં પાછો એટલાં માટે જ આવતો કારણ કે આરામ કરવા માટે આકાશ નીચે મારી પાસે બીજી કોઈ જગ્યા નહોતી. ઈન નાં પહેલાં (બીજા) માળે આવેલા મોટા હૉલ માં કોઈ જ માનવ નહોતો જેની સાથે વાતચીત કરી શકાય, હું એકલો જ હતો. આખાં હૉલ માં સંપૂર્ણ અંધકાર છવાયેલો હતો. અંધકાર થી છૂટકારો મેળવવા માટે નાં તો ત્યાં વિજળી નો પ્રકાશ હતો નાં તેલનો દીવો, કેરટેકર મારાં ઉપયોગ માટે એક નાનકડો હરીકેન દીવો લાવતાં હતાં જેનો પ્રકાશ થોડા ઈંચ થી આગળ જતો જ નહોતો.
મને એવું લાગ્યું કે હું અંધારકોટડી માં છું અને કોઈ માણસ સાથે વાત કરવા ઈચ્છું છું પરંતુ ત્યાં કોઈ જ નથી. કોઈ પણ માનવી ની કંપની નહીં હોવાથી મેં પુસ્તકોનો સાથ લેવાનું નક્કી કર્યું, અને વાંચ્યા જ કર્યું વાંચ્યા જ કર્યું. હું મારી એકલવાયાપણું ભુલી ગયો, એ વાંચન માં શોષાઈ ગયું. સતત ઉડતાં અને ઘોંઘાટ કરતાં ચામાચીડિયાં ઓએ આ હૉલ ને પોતાનું ઘર બનાવી દીધું હતું તે મારાં મનને વિચલિત કરતાં હતાં અને ઠંડી ધ્રુજારી ઉત્પન્ન કરી જતાં હતાં, જે હું ભુલી જવા ઇચ્છતો હતો એની યાદ અપાવી જતાં હતાં કે હું કેવી વિચિત્ર જગ્યાએ કેવી વિચિત્ર પરિસ્થિતિમાં છું.
ઘણી વખત મને ખુબ ગુસ્સો આવી જતો હતો. પરંતુ મારાં ગુસ્સા ને હું એવું સમજી ને વાળી લેતો હતો કે ભલે આ અંધારકોટડી છે છતાં કોઈ જ આશ્રયસ્થાન ન હોવાં કરતાં આશ્રયસ્થાન હોવું એ સારું જ છે. જે સામાન હું મુંબઈ મુકી ને આવ્યો હતો તે લઈને જ્યારે મારાં બહેનનો દિકરો વડોદરા આવ્યો ત્યારે મારી સ્થિતિ સૌથી વધુ કફોડી બની ગઈ હતી. હું જે અવસ્થામાં પારસી બનીને પારસી ઈન માં રહેતો હતો, મારી એ સ્થિતિ જોઈને જોર જોરથી રડવા લાગ્યો જેથી મને લાગ્યું એને તરત જ પાછો મોકલી આપવો જોઈએ. હું જે અવસ્થામાં પારસી ઈન માં રહેતો હતો.
હું જાણતો હતો કે મારું અહીં નામ બદલીને રહેવું વધુ સમય સુધી છુપું નહીં રહે અને બહાર આવશે જ, તેથી રહેવા માટે હું રાજ્ય તરફથી બંગલો મળે એનાં પ્રયાસો કરી રહ્યો હતો. પરંતુ જે તાકીદ કરતો હતો એટલી તાકીદ થી પ્રધાનમંત્રી મારી વિનંતી પર ધ્યાન આપતાં નહોતાં. મારી અરજી અધિકારી થી અધિકારી વચ્ચે ફરતી રહી એનો અંતિમ ઉત્તર આવે તે પહેલાં જ મારૂં દુર્ભાગ્ય આવી પહોંચ્યું.
મારો ઈન (ધર્મશાળા) માં રહેવાનો એ અગિયારમો દિવસ હતો. મેં મારું સવારનું ભોજન કરી લીધું હતું, કપડાં બદલી ને તૈયાર થઈ ગયો હતો અને બસ ઓફિસ જવા માટે નીચે ઊતરવા ની તૈયારી માં હતો, જે પુસ્તકો રાત્રે વાંચવા લાયબ્રેરી માંથી લાવ્યો હતો એ પુસ્તકો પરત કરવા માટે સાથે લઈ લીધાં ! ત્યાં જ કેટલાંક લોકો દાદરો ચઢતાં હોય એનો અવાજ મારાં કાને પડ્યો. મને લાગ્યું કે અહીં રહેવા આવેલાં પ્રવાસીઓ હશે તેથી તે મિત્રો કોણ છે તે તરફ ધ્યાન આપ્યું. તરત જ મેં જોયું કે ડઝનબંધ લાંબા ખડતલ પારસીઓ ગુસ્સે થયેલાં હાથમાં લાકડીઓ લઈ ને મારાં ઓરડા તરફ આગળ વધી રહ્યા હતાં. મને સમજાયું કે આ લોકો કોઈ પ્રવાસીઓ નથી અને તેમણે એનો પુરાવો પણ તરત જ આપી દીધો.
તે બધાં મારાં ઓરડા સામે હારબંધ ઉભાં રહી ગયા અને ગાળો સહિત પ્રશ્નો ની ઝડી વરસાવી દીધી. કોણ છે તું ? તું અહીં કેમ આવ્યો છે ? તારી હિંમત કેવી રીતે ચાલી પારસી નામ રાખવા ની ? બદમાશ તે પારસી ઈન ને અપવિત્ર કરી નાખી. હું ચુપચાપ ઊભો રહ્યો. હું કોઈ જવાબ આપી શક્યો નહીં. મેં જે ધારણ કર્યું હતું એ ટકાવી શક્યો નહીં. એ એક છદ્મ વેશ હતો જે જાહેર થઈ ગયો હતો અને મને ખાતરી થઈ ગઈ હતી કે જો હું એ છદ્મવેશ ચાલુ રાખીશ તો આ ક્રોધિત અને કટ્ટરપંથી પારસીઓનું ટોળું મારી ઉપર હુમલો કરી શકે છે અને કદાચ મને જાનથી મારી પણ નાંખે. મારી નમ્રતા તથા મૌનથી આ દુર્ભાગ્ય ટળી ગયું.
એ સમયે મારૂં રહેઠાણ મારાં માટે મારાં જીવન કરતાં પણ કિંમતી હતું. એ પ્રશ્નોમાં રહેલી સૂચિત ધમકી એક ગંભીર બાબત હતી. મેં મારૂં મૌન તોડતા એમને વિનંતી કરી કે મને ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી રહેવા દો, આવું મેં એવું વિચારીને કહ્યું કે ત્યાં સુધી મંત્રી દ્વારા મારી બંગલા માટે ની અરજી નો નિર્ણય આવી જશે. પરંતુ પારસીઓ કશું જ સાંભળવા નાં મિજાજ માં નહોતાં. મારે બિસ્તરા ભરી લેવાં, તેઓ મને સાંજે ઈનમાં જોવાં ઈચ્છતા નથી અન્યથા ગંભીર પરિણામ આવશે એવું આખરીનામું આપીને તેઓ ચાલ્યા ગયા. હું અચંબામાં પડી ગયો, મારૂં હ્રદય મારાં માં જ ડુબી ગયું. મેં ભારે મનથી તેમને કડવી ભાષામાં શાપ આપ્યાં. હું મારાં માટે કિંમતી એવાં રહેઠાણ પરથી કબ્જો ગુમાવી બેઠો હતો. એ એક કેદીની કોટડી કરતાં વિશેષ નહોતું પરંતુ મારાં માટે એ ખુબ જ કિંમતી હતું.
પારસીઓના ગયા બાદ હું કોઈ રસ્તો શોધવા નાં વિચારોમાં મગ્ન થઈ ગયો. મને આશા હતી કે મને ઝડપથી સરકારી બંગલો મળશે અને મારી સમસ્યાનો અંત આવશે. મારી સમસ્યા એ થોડાં સમય પુરતી હતી તેથી મિત્રો પાસે જવું યોગ્ય નિરાકરણ રહેશે. વડોદરા રાજ્ય માં મારો કોઈ મિત્ર અસ્પૃશ્ય ગણાતા વર્ગમાંથી નહોતો, પરંતુ અન્ય વર્ગમાંથી આવતા હતા, એક હિંદુ હતો અને અન્ય ભારતીય ખ્રિસ્તી. હું પહેલાં મારા હિંદુ મિત્ર પાસે ગયો, અને મારી સાથે જે બન્યું તે બધું જ જણાવ્યું, તે એક ઉમદા વ્યક્તિ હતાં અને મારાં ખુબ જ સારાં વ્યક્તિગત મિત્ર હતાં. તે સાંભળી ને દુઃખી થયાં, એમને ગુસ્સો આવ્યો. પરંતુ તેમણે એક નિરીક્ષણ કર્યું અને કહ્યું “જો તમે મારાં ઘેર આવશો તો મારાં નોકરો જતાં રહેશે, હું સંકેત સમજી ગયો અને મને રહેવા દેવા માટે એમને દબાણ નાં કર્યું."
મેં ખ્રિસ્તી મિત્ર નેં ત્યાં જવાનું યોગ્ય નાં સમજ્યું. તેણે એક વખત મને તેની સાથે રહેવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ મેં તેને નકારી દીધું હતું. અને પારસી ઈન માં રહેવાનું પસંદ કર્યું હતું. એનું કારણ એની ટેવો મારાં માટે સહજ નહોતી. અત્યારે ત્યાં જવું એટલે ઠપકા ને આમંત્રણ આપવા જેવું હતું તેથી હું ઓફિસ જતો રહ્યો, પરંતુ રહેઠાણ શોધવાની આ તક હું ખરેખર ગુમાવવા નહોતો ઈચ્છતો. એક મિત્ર સાથે મસલત કર્યા બાદ મેં ખ્રિસ્તી મિત્ર ને ત્યાં જવાનું તથા એ મને રહેવા દેશે ? એવું પુછવા નું નક્કી કર્યું. જ્યારે મેં તેની સમક્ષ આ પ્રશ્ન રજૂ કર્યો ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, “તેની પત્ની કાલે વડોદરા આવવાની છે અને એણે પોતાની પત્ની સાથે વિમર્શ કરવો પડશે.
પછીથી મને સમજાયું કે આ એક રાજદ્વારી ઉત્તર હતો. તે અને તેના પત્ની ની અસલમાં બ્રાહ્મણ જાતિનાં પરિવારમાંથી આવતા હતાં, ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ પતિનાં વિચારો ઉદાર થયાં હતાં પરંતુ પત્ની પોતાની રીતે હજુ રૂઢિચુસ્ત જ હતી અને તે પોતાના ઘરમાં એક અસ્પૃશ્ય ને રહેવા દેવાં અનુમતિ ન જ આપતાં. આશાનું છેલ્લું ચમકતું કિરણ પણ ઓલવાઈ ગયું. હું બપોરે 4:00 વાગ્યે મારાં ખ્રિસ્તી મિત્ર નાં ઘેરથી નીકળ્યો હતો. મારી સમક્ષ સૌથી મોટો પ્રશ્ન ઉભો હતો, ક્યાં જવું ? મારે ઈન છોડી જ દેવાની હતી અને એવો કોઈ મિત્ર નહોતો જેને ત્યાં જઈ શકું. પાછાં બોમ્બે જતાં રહેવાનો એક માત્ર વિકલ્પ બચ્યો હતો.
વડોદરા થી બોમ્બે જતી ટ્રેન રાત્રે 9 વાગ્યે હતી. પાંચ કલાક વિતાવવા નાં હતાં. ક્યાં વિતાવવા ? ઈનમાં પાછાં જવું જોઈએ ? મારે મારાં મિત્ર પાસે જવું જોઈએ ? હું ઈનમાં જવા માટે પુરતી હિંમત ભેગી નાં કરી શક્યો. મને ડર હતો કે પારસીઓ ફરીથી આવીને મારાં ઉપર હુમલો કરશે. મને મારાં મિત્ર પાસે જવું ગમતું નહોતું. મારી સ્થિતિ જોકે દયનીય હતી, મને દયનીય બનવું ગમતું નહીં. શહેર અને કેમ્પ ની સરહદે આવેલા કમાટીબાગ નામનાં જાહેર બગીચામાં મેં પાંચ કલાક વિતાવવા નું નક્કી કર્યું. મારી સાથે જે બન્યું હતું એ વિચાર કરતો હું થોડો દુઃખી અને થોડો શુન્યમનસ્ક બનીને બેઠો, એક બાળકને એકલવાયું લાગે ત્યારે જવું કરે તેમ હું મારાં માતા-પિતા વિશે વિચારતો રહ્યો.
રાત્રે 8 વાગ્યે હું બગીચામાંથી બહાર આવ્યો, ગાડી કરીને ઈન પર ગયો, મારો સામાન નીચે ઉતારી લાવ્યો. કેરટેકર બહાર આવી ગયાં, નાં તે કે નાં હું એક બીજા સાથે એક શબ્દ બોલ્યાં. તેમને એવું લાગતું હતું કે મને આ તકલીફમાં મુકવા માટે તે પોતે પણ કંઈક અંશે જવાબદાર છે. મેં એમને એમનું બિલ ચુકવ્યું, તેમણે તે ચુપચાપ લઈ લીધું. અને ચુપચાપ મેં એમની રજા લીધી.
હું વડોદરા ખુબ જ આશાઓ સાથે આવ્યો હતો. મેં ઘણાં પ્રસ્તાવો છોડી દીધાં હતાં. તે યુદ્ધ નો સમય હતો. ભારતીય શૈક્ષણિક સેવા માં ઘણી જગ્યાઓ ખાલી હતી. હું ઘણાં પ્રભાવશાળી વ્યક્તિઓને લંડનમાં ઓળખતો હતો પરંતુ મેં એમાંથી કોઈ નો ઉપયોગ નહોતો કર્યો. મારૂં એ કર્તવ્ય હતું કે જેમણે મારાં અભ્યાસ માટે નાણાં પુરા પાડ્યા હતા એવાં વડોદરા નાં મહારાજા ને સૌપ્રથમ મારી સેવા આપવી જોઈએ. અને અહીં મારે માત્ર અગિયાર દિવસ જ રોકાઈ ને બોમ્બે પાછાં ફરવું પડી રહ્યું છે.
ડઝન પારસીઓ લાકડીઓથી સજ્જ તેમનાં ભયંકર ઈરાદા સાથે મારી સામે લાઈનબંધ ઊભા રહ્યા છે અને હું એમની સામે ભયભીત થઈ ને દયાની વિનંતી કરું છું આ દ્રશ્ય અઢાર વર્ષ જેટલો લાંબો સમય થયાં છતાં મારી દ્રષ્ટિ માંથી ધુંધળુ નથી થતું. હું આજે પણ એને આબેહુબ રીતે યાદ કરી શકું છું, અને યાદ કરતાં વખતે મારી આંખ ભરાઈ નાં આવે એવું બનતું નથી. એ પછી મને પ્રથમ વખત શિખવા મળ્યું કે જે વ્યક્તિ હિંદુ માટે અસ્પૃશ્ય છે તે પારસી માટે પણ અસ્પૃશ્ય છે.
***
(Waiting for Visa નામથી આ લખાણો ને સંકલિત કરવામાં આવ્યાં. ડૉ. બાબાસાહેબ આંબેડકર રાઈટીંગ એન્ડ સ્પીચિસ ભાગ 12/1 (શિક્ષણ વિભાગ મહારાષ્ટ્ર સરકાર :1993) માં પાનાં નંબર 661 થી 691 માં શ્રી વસંત મુને સંકલિત કર્યાં. આ પુસ્તક Waiting for Visa નું અન્ય સંકલન કોલંબિયા યુનિવર્સિટીમાં ભણાવવા માટે કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી ફ્રાન્સિસ પ્રિશેટ દ્વારા કરવામાં આવ્યું.
નોંધ: Waiting for Visa નાં પોતાના લખાણો માં ડૉ બાબાસાહેબ આંબેડકરે પોતાનાં જીવનનાં છ પ્રસંગો નું વર્ણન કર્યું છે. 1. બાળપણ માં કોરેગાવ નો દુઃસ્વપ્ન સમાન પ્રવાસ, 2. અમેરિકા અને યુરોપ થી પરત ફર્યા અને વડોદરા નાં અનુભવ, 3. ચાલિસગાંવ નો ભયાનક અકસ્માત, 4. દોલતાબાદ કિલ્લા નો અનુભવ, 5. એક ડૉક્ટર દ્વારા સારવાર નો ઈન્કાર અને યુવાન સ્ત્રી નું મૃત્યુ અને 6. એક યુવાન ક્લાર્ક નોકરી છોડી દે ત્યાં સુધી તેની સાથે દુર્વ્યવહાર અને આપવામાં આવેલી ધમકીઓ.)
Comments