દેશ આઝાદ હોય અને નાગરિકો ગુલામ હોય એવી પરિસ્થિતિ દુનિયાના અનેક દેશોમાં આજે પણ છે. દા.ત. ચીન આઝાદ છે પણ ચીનાઓ ગુલામ છે કારણ કે ત્યાં એક જ પક્ષની તાનાશાહી છે.
એક અહેવાલ એમ કહે છે કે દુનિયાની ૮૦ ટકા વસ્તી તાનાશાહી અથવા લોકશાહી દેખાતી તાનાશાહી હેઠળ જીવે છે. દુનિયાના ૪૩ દેશોમાં તો આજે પણ રાજાશાહી છે. જો કે, જાપાન, યુકે કે સ્વિડન જેવા કેટલાકમાં રાજાશાહી નામમાત્રની છે. પણ બીજા સાઉદી અરેબિયા, કુવૈત જેવા દેશોમાં રાજાઓ જ શાસકો છે. દસ દેશોમાં લશ્કરી તાનાશાહી છે. અનેક દેશોમાં સરમુખત્યારશાહી છે.
આવા સંજોગોમાં ભારત જેવા વિશાળ, વૈવિધ્યસભર અને દુનિયાની ૧૭.૫ ટકા વસ્તી ધરાવતા દેશમાં લોકશાહી હોવી એ ગૌરવની વાત છે એમાં કોઈ શંકા નથી. આ ગૌરવ માટે આપણે આપણા બંધારણના તમામ ઘડવૈયાઓના ઋણી છીએ.
ભારતના બંધારણના આમુખમાં જ લખવામાં આવ્યું કે ભારત એક લોકશાહી દેશ રહેશે. લોકશાહીનો અર્થ જ નાગરિકોની આઝાદી થાય છે.
ભારત આઝાદ તો છે જ, પરંતુ ભારતીયોની આઝાદી વધુ મહત્ત્વની છે. ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫-૭૭ના ૧૯ મહિના દરમ્યાન પોતાની તાનાશાહી ઊભી કરેલી. એવા જ પ્રકારની, કદાચ એના કરતાં પણ ખતરનાક, સીધેસીધી રીતે દેખાય નહિ તેવી તાનાશાહી; લોકશાહી અને ધર્મને નામે ઊભી કરવાનો પ્રયાસ છેલ્લાં દસ વર્ષથી થઈ રહ્યો છે, ત્યારે નાગરિકોએ વધુ સજાગ થવાની જરૂર છે.
સાચા અર્થમાં સામાજિક, આર્થિક અને રાજકીય લોકશાહી ત્યારે ઊભી થઈ કહેવાય કે જ્યારે મહાત્મા ગાંધીએ ૧૯૦૮માં લખેલા 'હિંદ સ્વરાજ' પુસ્તકમાં લખેલું તેવું "જણે જણે ભોગવવાનું સ્વરાજ" ઊભું થાય.
અત્યારે ચીન + ચૂંટણી = ભારત જેવું સમીકરણ ઊભું કરવાનો, અને આઝાદ દેશમાં રાજકીય, સામાજિક, ધાર્મિક અને વૈચારિક ગુલામો પેદા કરવાનો ભરચક અને સંનિષ્ઠ પ્રયાસ હિન્દુત્વની વિચારધારાના આંચળા હેઠળ થઈ રહ્યો છે. જેઓ અત્યારે લોકશાહી અને નાગરિકોની આઝાદી માટે લડે છે તેમને દેશદ્રોહી અને નક્સલવાદી કહેવામાં આવી રહ્યા છે. દુનિયાભરમાં તાનાશાહો હંમેશાં પોતાના વિરોધીઓને દેશદ્રોહીઓ તરીકે ચીતરતા રહ્યા જ છે.
આ આપખુદી વલણ સામે નાગરિકોએ સચેત રહેવું પડે અને પોતાની આઝાદી ટકાવવી પડે. નાગરિકોની આઝાદી પર કાપ મૂકતા કાયદા, નિયમો અને નિયમનોનો મજબૂત અને સક્રિય વિરોધ કરવો પડે. તિરંગા લહેરાવવાથી, રાષ્ટ્રગીતો ગાવાથી અને તિરંગા યાત્રાઓ કાઢવાથી માણસની આઝાદી ન જન્મે. એને માટે તો સરકારો સામે સતત લડવું પડે.
આઝાદીને ટકાવવાની જવાબદારી મોટે ભાગે મધ્યમ વર્ગે નિભાવવી પડે. તેની પાસે વિરોધ કરવા માટેની તક અને ક્ષમતા હોય છે માટે. જેને બે ટંક રોટલાની ચિંતા છે તે ઈચ્છે તો પણ એ કામ કરી શકે નહિ. એટલે જેઓ ભરપેટ છે તેઓ આગળ આવે અને નાગરિકોની આઝાદી માટે જાગૃત બને, બીજાને જાગૃત કરે અને એને માટે લડે એ આવશ્યક છે. યાદ રહે બરાબર કે, સતત જાગૃતિ એ નાગરિકોની આઝાદીની કિંમત છે, અને એ ચૂકવવી જ રહી.
દેશ તો એક અનિવાર્ય અનિષ્ટરૂપ વ્યવસ્થા છે. એ વ્યવસ્થા માણસ માટે એટલે કે નાગરિકો માટે છે. માણસ વ્યવસ્થા માટે કદી હોઈ જ ન શકે. માણસની આઝાદી માટેનો આ વિચાર જ લોકશાહીનો અને ખરી આઝાદીનો પાયો છે. દેશની આઝાદી જો નાગરિકોની આઝાદીમાં ન પરિણમે તો દેશની આઝાદીને શું ધોઈ પીવાની?
Comments