પંદરમી ઓગસ્ટે અને છવ્વીસમી જાન્યુઆરીએ ગવાતા ગીતના આ શબ્દો સામ્રાજ્યવાદી નથી લાગતા? અને દુનિયાના લોકોને ગુલામ બનાવવાનો વિચાર વ્યક્ત નથી કરતા? યુરોપના દેશોએ ૧૮મી અને ૧૯મી સદીમાં દુનિયાના લોકોને સંસ્કારી બનાવવાનો ઠેકો લીધો એટલે જ ભારત સહિતની દુનિયાના લોકો ગુલામ બનેલા. શું હવે આપણે દુનિયાના લોકોને ગુલામ બનાવવા છે, માટે આ ગીત ગાઈએ છીએ?
શું કરવા વિશ્વ પર વિજય મેળવવો છે? કોઈ એકનો વિજય એટલે બીજાનો પરાજય. અને વિજય અને પરાજયમાં મારવા અને મરવાનું તો આવે જ ને! શું આને વસુધૈવ કુટુમ્બકમ કહેવાય? સહેજે નહિ.
દુનિયાભરમાં ભારતનો તિરંગો લહેરાવાની મંશા જ શાંતિની વિરોધી તમન્ના છે. તમે શાંતિથી જીવો, દેશમાં અને દુનિયામાં બીજાને શાંતિથી જીવવા દો. ક્યાંય વિજય મેળવવાની જરૂર છે જ નહિ. હા, કોઈ આપણને પરાજય ન આપે એની કાળજી અવશ્ય રાખીએ.
વિશ્વગુરુ થવાના અભરખા આજકાલ બહુ ચગ્યા છે. કોઈનાય ગુરુ થવાની જરૂર છે જ નહિ. અમે જ સારા અને બાકીના બધા નકામા, એવી ભ્રામક આત્મશ્લાઘામાંથી બહાર આવીએ તો પણ આપણી પોતાની માણસ તરીકેની આઝાદી સિદ્ધ થઈ કહેવાય.
Comments