રતન શારદા નામના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક નેતાએ બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયની ટીકા કરતાં સલાહ આપી છે કે ટીકાકારોનું ટ્રોલિંગ કરવાની જગ્યાએ ટીકાકારોને અનુત્તરિત કરી શકાય એ રીતની તર્કબદ્ધ દલીલો કરવી જોઈએ. કેન્દ્ર સરકારના બજેટની ટીકા કરનારાઓનું અમિત માલવીયે તેમની શૈલીમાં ટ્રોલિંગ કર્યું હતું.
અહીં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એક તો શા માટે તેઓ ટ્રોલિંગ કરે છે અને બીજો શા માટે તેઓ ટીકાકારને મૂંગો કરી શકાય એ રીતની તર્કબદ્ધ દલીલ કરવા અસમર્થ છે? કોઈનેય ગાળાગાળી કરીને ભૂંડા દેખાવું પસંદ નથી હોતું. ગાળો દેવી, નિંદા કરવી કે ઠેકડી ઉડાડવી એ ક્યારેય કોઈનીય પહેલી પસંદ હોતી નથી જો ગળે ઉતરે એવી દલીલ હોય અને સ્વાર્થરહિતની, લોકકલ્યાણ કરનારી શોભાસ્પદ પવૃત્તિ હોય. એનો આશ્રય તો ત્યારે જ લેવામાં આવે છે જ્યારે ગળે ઉતરે એવી કોઈ દલીલ ન હોય અથવા એવું કશુંક કરવું હોય કે કર્યું હોય જેનો બચાવ કરવો મુશ્કેલ પડે.
પણ અહીં જે મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે તેનો ઉત્તર એટલો આસાન નથી. તેનું એક વિશાળ ચિત્ર છે અને તેને સમજવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય બનવાની જે છૂટ આપી છે એ પણ આ વિશાળ ચિત્રનો હિસ્સો છે. જગત આખામાં બહુમતી રાષ્ટ્રવાદીઓ રાષ્ટ્ર વિશેની તેમને અનુકૂળ આવે એવી એક કલ્પના (નેરેટિવ) વિકસાવે છે અને તેને કોઈ પડકારે નહીં એવી એક કિલ્લેબંધી રચે છે. વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, મીડિયા, સામાન્ય શિક્ષણસંસ્થાઓ, વિશેષ પ્રકારનું શિક્ષણકાર્ય કરતી શોધસંસ્થાનો, પોલીસી રીસર્ચનું કામ કરતી થીંક ટેંક, એનજીઓ વગેરે કબજે કરે છે અને જો કબજે કરવી મુશ્કેલ લાગે તો બંધ પાડે છે. તેમની એવી ધારણા હોય છે કે આ બધી સંસ્થાઓમાં જો આપણા લોકોને બેસાડ્યા હોય તો તેઓ પેલા નેરેટિવને લોકો સુધી પહોંચાડશે, તેને દૃઢ કરશે અને એ નેરેટિવનો વિરોધ કરનારાઓના વૈકલ્પિક નેરેટિવને લોકો સુધી પહોંચતા રોકશે. વિરોધીઓની જગ્યા જ આંચકી લો. તસુ જમીન મળશે તો ઊભા રહેશે ને!
તેમની ગણતરી અને ઉપાયયોજના એકદમ દુરુસ્ત છે, પણ તેમાં બે સમસ્યા છે. પહેલી સમસ્યા એ કે આ જગતમાં કોઈ પણ માણસ અને કોઈ પણ સત્તા બદલાતા સમયને અને સમય સાથે બદલાતા સમાજના ડાયનેમિક્સને રોકી શકતો નથી. જગતના ઇતિહાસમાં આજ સુધી આવું બન્યું નથી. આ સતત પ્રવાહમાન પરિબળોને સ્થગિત કે સ્થિર કરી શકાતાં નથી. સતત પરિવર્તિત સમયને મુઠ્ઠીમાં બાંધી શકાતો નથી, પછી ભલે મુઠ્ઠી ગમે એટલી મજબૂત હોય. અને બીજી સમસ્યા એ કે સમયને પ્રતિસાદ આપવાથી બચી શકાતું નથી. આ જગતમાં એવો કોઈ માયનો લાલ પાક્યો નથી જે પોતાનાં સમયના સંદર્ભોથી બચી શક્યો હોય. સમયને પ્રતિસાદ આપવો જ પડતો હોય છે તે ત્યાં સુધી કે મોઢું ફેરવી લેવું એ પણ એક પ્રતિસાદ છે. સમય અને તેનાં પ્રભાવોથી બચી શકાતું નથી અને તે સતત પ્રવાહમાન છે. બદલાતો રહે છે.
ટૂંકમાં પોતાને અનુકૂળ આવે એવું એક નેરેટિવ વિકસાવ્યું, તેને લોકો સુધી પહોંચાડવા માટે દરેક પ્રકારની સંસ્થાઓ કબજે કરી, તેને કોઈ પડકારે નહીં એવી એક કિલ્લેબંધી પણ કરી; પરંતુ પેલો સમય, સમય હાથમાં બંધાતો નથી. આ સમય અને સમય દ્વારા પ્રભાવિત સમાજના ડાયનેમિક્સ અપૌરુષેય હોય છે. આ રચનારો કોઈ પુરુષ હાથ લાગે તો ટ્રોલિંગ પણ કરી શકાય, પણ એ તો નિરાકાર છે.
અહીં આખી યોજના નિરસ્ત થઈ જાય છે અને બીજી સમસ્યા પેદા થાય છે પ્રતિસાદની. સરેરાશ બૌદ્ધિક ક્ષમતા ધરાવનારા મીડિયોકર લોકો સમયને પ્રતિસાદ આપી શકતા નથી અને સમય તક અને જોખમ બન્નેને લઈને આવે છે. તકને ઝડપવાની હોય છે અને જોખમથી બચવાનું હોય છે. પણ ખાટલે મોટી ખોડ એ હોય છે કે દરેક જગ્યાએ મીડિયોકર લોકો ગોઠવાયેલા હોય છે. એ લોકો બદલાતા સમયને પામી નથી શકતા ત્યાં પ્રતિસાદ શું આપવાના! કોઈ બજેટની ટીકા કરે અને ગાળાગાળી પર ઉતરી જવું પડે ત્યાં સમયને પારખવો અને પ્રતિસાદ આપવો એ તો બહુ અઘરું કામ છે. આને કારણે બને છે એવું કે સમય પરિપક્વ થઈને સામે આવે ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હોય. ચીડિયા ચુગ ગઈ ખેત. જ્યાં તેજસ્વી શાસકો હતા, જ્યાં તેજસ્વી લોકોનું શાસન હતું અને જ્યાં તેજસ્વી ગુરુઓ હતા એ બધું ચણી ગયા.
ઉદાહરણ આપવું હોય તો મુસ્લિમ દેશોનું આપી શકાય. એક સમય હતો જ્યારે મુસ્લિમ દેશોનો ડંકો વાગતો હતો, પણ જ્યારથી મુસ્લિમ દેશોમાં ત્યાંના શાસકોએ અને મૌલવીએ મળીને “આપણે મહાન છીએ કારણ કે આપણે ખુદાએ પસંદ કરેલી અને ઈસ્લામને માનનારી વિશેષ કોમ છીએ, ઇસ્લામ જગતનો એક માત્ર સાચો અને સંપૂર્ણ ધર્મ છે, ઇસ્લામને સ્થળ અને કાળના બંધનો નડતાં નથી અને માટે ઈસ્લામને નહીં માનનારું જગત આખું આપણી વિરુદ્ધ છે, આપણી વિરુદ્ધ કાવતરાં થઈ રહ્યાં છે, પણ આપણે તેમની દયા ખાવી જોઈએ” એવા નેરેટિવને લોકો સુધી પહોંચાડવાની, તેને સ્વીકૃત બનાવવાની અને તેનાથી અલગ પ્રકારના વૈકલ્પિક નેરેટિવને રોકવાની યંત્રણા અને કિલ્લેબંધી કરી ત્યારથી મુસ્લિમ દેશોનું પતન શરુ થયું. આધુનિક યુગને તેઓ પારખી જ ન શક્યા. તેને નકાર્યો. આજે પણ નકારે છે. સરેરાશ મુસલમાન સામે આરોપ એ છે કે તે આધુનિકતા (આધુનિક મૂલ્યવ્યવસ્થા) ની વિરુદ્ધ છે. જે લોકો ઊહાપોહ કરે છે તેમને ઇસ્લામદ્રોહી કહીને સતાવવામાં આવી રહ્યા છે.
બીજું આવું ઉદાહરણ સામ્યવાદી દેશોનું આપી શકાય. “ઇતિહાસમાં સદૈવ સર્વહારાનું શોષણ કરનારો શોષક વર્ગ સામ્યવાદી વિચારનો દુશ્મન છે, કારણ કે તેણે સર્વહારાને શક્તિશાળી બનાવ્યો છે. તેઓ આપણા દુશ્મન છે, આપણી વિરુદ્ધ કાવતરાં કરે છે અને આપણે તેમનાથી સાવધ રહેવાનું છે.” આ નેરેટિવને લોકો સુધી પહોંચાડવા, તેને સ્વીકાર્ય બનાવવા તેમણે પણ ઉપર કહી એવી સંસ્થાઓને કબજે કરી હતી અને તેની સામેનું વૈકલ્પિક નેરેટિવ લોકો સુધી ન પહોંચે એ માટે કિલ્લેબંધી કરી હતી. પણ પરિણામ? એક એક કરીને સામ્યવાદી દેશોનું પતન થયું અને એ થવાનું જ હતું. બદલાયેલા સમયના સંકેતો ઓળખતા તેમને દાયકાઓ લાગ્યા. મિખાઇલ ગોર્બાચોવ જ્યારે સામ્યવાદી પાર્ટીના મહામંત્રી બન્યા ત્યારે તેમને સમજાયું કે હવે બદલાયેલા સમયને નકારી શકાય એમ નથી. સમય આગળ નીકળી ગયો છે અને આપણે પાછળ રહી ગયા છીએ. તેમણે રશિયન પ્રજાને રશિયન ભાષાના બે શબ્દ આપ્યા હતા; ‘પેરેસ્ત્રોઇકા’ અને ‘ગ્લાસનોસ્ટ’ જેનો અર્થ જ થાય છે નૂતન, નૂતનનો સ્વીકાર અને સ્વીકાર શક્ય બને એ માટે નવરચના. ખાસ પ્રકારના નેરેટિવને સ્વીકાર્ય બનાવવા માટેની યંત્રણા અને તેને ટકાવી રાખવા માટેની કિલ્લેબંધીને હવે તોડી નાખવામાં આવે. જ્યાં સુધી એ તોડવામાં નહીં આવે ત્યાં સુધી હાથમાંથી છૂટી ગયેલા સમયને લાંઘી નહીં શકાય. પચાસેક જેટલા મુસ્લિમ બહુમતી દેશો અને પચાસેક જેટલા સામ્યવાદી દેશોનો આ નજર સામેનો ઈતિહાસ છે.
સો સો દેશોનો ઈતિહાસ (અને વર્તમાન પણ) સામે હોવા છતાં આપણે એ જ કરી રહ્યા છીએ જે તેમણે કર્યું હતું. હિંદુ રાષ્ટ્રનું બોન્સાઇ નેરેટિવ સ્વીકૃત બનાવવા અને તેને કોઈ પડકારે નહીં એ રીતની કિલ્લેબંધી કરવા તેઓ આકાશપાતાળ એક કરી રહ્યા છે. અપરાધશાસ્ત્ર કહે છે કે દરેક ગુનેગારને એમ લાગે છે કે અત્યાર સુધીનાં ગુનેગારોને ગુનો કરતાં આવડ્યું નહોતું એટલે તેઓ પકડાઈ ગયા, હું પરફેકટ ક્રાઈમ કરી બતાવીશ. આ ન્યાયે પરિણામ સામે હોવા છતાં કેટલાક શાસકોને એમ લાગે છે કે આગલા શાસકોને સમયને નાથતા આવડ્યું નહોતું એટલે સમય હાથમાંથી સરકી ગયો, પણ હું સમયને મારી તરફેણમાં રોકી બતાવીશ. એટલે એ ફરીવાર એ જ કરે છે જે બીજાઓએ કર્યું હતું. આને કારણે ઈતિહાસ પોતાને રીપીટ કરતો હોય છે.
તેઓ જે કરી રહ્યા છે એ થવું અસંભવ છે, પણ પતન નિશ્ચિત છે. અત્યારે જ તેનાં સંકેત મળવા લાગ્યાં છે. વિકાસના અને પ્રજાકીય સુખાકારીના દરેક ઇન્ડેક્સમાં ભારત ૨૦૧૪ની તુલનામાં નીચે જઈ રહ્યો છે. હું કહું છું એટલે માની લેવાની જરૂર નથી, તમે પોતે તપાસ કરી જુઓ. આ તો હજુ શરૂઆત છે.
---
*સ્રોત: ફેસબુક
Comments