બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, 5 ઓગસ્ટ 2024ના રોજ રાજીનામું આપી દેશ છોડીને ભારત આવતા રહ્યા. છેલ્લા 3 અઠવાડિયામાં ઢાંકામાં, 300થી વધુ પ્રદર્શનકારીઓના મોત થયા છે ! બાંગ્લાદેશના જનક શેખ મુજીબુર રહમાનની વિશાળ પ્રતિમા આંદોલનકારીઓએ તોડી નાખી છે !
આ સ્થિતિમાં ચિત્તાગોંગ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના અધ્યાપક રહેલા પ્રો. મહંમદ યુનુસ (84) કાર્યકારી વડાપ્રધાન બનશે. આંદોલનકારી વિદ્યાર્થી નેતાઓને કેટલો બધો ભરોસો હશે કે તેમને વડાપ્રધાન બનાવવાના સૂચન પર લશ્કર અને રાષ્ટ્રપ્રમુખ બંને તરત જ સહમત થઈ ગયાં ! રાષ્ટ્રપતિએ 6 ઓગસ્ટ 2024ના રોજ સંસદ ભંગ કરી દીધી હતી.
7 ઓગસ્ટ 2024ના રોજ, વહેલી સવારે પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીનના પ્રેસ સેક્રેટરી જોયનલ આબેદીન તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે વચગાળાના વડાપ્રધાન તરીકે મહંમદ યુનુસ કાર્યભાળ સંભાળશે. કોણ છે મહંમદ યુનુસ? તેઓ 2006ના નોબેલ શાંતિ ઈનામ વિજેતા છે. તેઓ બાંગ્લાદેશના દરેક ઘરના તારણહાર છે.
તેમની આત્મકથા ‘Banker to the Poor’નો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હેમંતકુમાર શાહે 'વંચિતોના વાણોતર' નામે કર્યો છે. 'વંચિતોના વાણોતર'નું વિમોચન કરવા મહંમદ યુનુસ મે-2000માં વડોદરા પધારેલ હતા. આ અનુવાદનું કામ ગુજરાતના ભૂતપૂર્વ નાણાં પ્રધાન સનત મહેતાએ હેમંતકુમાર શાહને સોંપેલ.
‘વંચિતોના વાણોતર’ શીર્ષક જનસત્તા અખબારના તંત્રી દિગંત ઓઝાએ આપ્યું હતું. હેમંતકુમાર શાહ કોણ છે? અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક છે અને આર્થિક બાબતો અંગે સ્પષ્ટ બોલે છે. કાળાને કાળો અને ધોળાને ધોળો કહે છે. ચોરને ચોર કહે છે; જૂઠાને જૂઠ્ઠો કહે છે !
વડાપ્રધાનની આર્થિક નીતિઓના પ્રખર ટીકાકાર છે. નોટબંધી/ GST/ પેટ્રોલ-ડીઝલના આકાશી ભાવો/ ડોલરના મુકાબલે રુપિયાનું અવમૂલ્યન/મોંધી શિક્ષણ નીતિ/ અણઘડ લોકડાઉન/કિસાન સમસ્યા/ ક્રોની કેપિટાલિઝમ વગેરે બાબતો અંગે તેમના વિચારોથી પરિચિત રહેવું જોઈએ.
‘Banker to the Poor’-'વંચિતોના વાણોતર' પુસ્તક શા માટે વાંચવું જોઈએ?
મુહમ્મદ યુનુસ ગ્રામીણ બેન્કના સ્થાપક છે. 50 રુપિયાના ધિરાણથી તેમણે ગ્રામીણ બેન્ક શરુ કરી હતી. માઈક્રો ફાયનાન્સનું આ મોડેલ ફિલિપાઈન્સ, ભારત, નેપાળ, વિયેતનામ, ચીન, લેટિન અમેરિકા, આફ્રિકા, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ જેવા દેશોમાં ‘માઇક્રો-ક્રેડિટ બેંન્ક’ તરીકે અમલી બન્યું છે. મહંમદ યુનુસ માને છે કે ‘દાન એ ગરીબી મુક્ત વિશ્વ બનવાનો માર્ગ નથી. તેના બદલે, દરેક મનુષ્યને યોગ્ય તક મળે તેવું માળખું ઊભું કરવું જરુરી છે.’
મહંમદ યુનુસે અમેરિકામાં પ્રાધ્યાપકની નોકરી છોડીને તેઓ શા માટે બાંગ્લાદેશ પરત આવ્યા? આર્થિક મોડેલમાં ગરીબીના પ્રશ્નની ગેરહાજરી હતી તે કઈ રીતે દૂર કરી? બાંગ્લાદેશમાં કઈ રીતે આર્થિક ક્રાંતિ કરી? બુરખામાં રહેનાર મુસ્લિમ મહિલાઓનું કઈ રીતે સશક્તિકરણ કર્યું? પરંપરાગત બેન્કથી ગ્રામીણ બેન્ક કઈ રીતે જુદી હતી? તેમણે કઈ રીતે શાહુકાર પાસેથી લોન લેતી મહિલાઓને મુક્ત કરી? કઈ રીતે જાન્યુઆરી 1977માં ગ્રામીણ બેંકનો જન્મ થયો? પુરુષોના બદલે સ્ત્રીઓને ધિરાણ શા માટે? લઘુધિરાણ કઈ રીતે પરિવર્તન લાવે? તેમનો સિદ્ધાંત હતો કે દરેક ઉધાર લેનારને ધિરાણ મેળવવાનો માનવ અધિકાર છે. કઈ રીતે લોન આપવામાં આવતી?
લોન પર અમુક પ્રકારની સિક્યોરિટી પૂરી પાડવા માટે લોન લેનારાઓએ પાંચ લોકોનું જૂથ બનાવવું પડતું હતું. ત્યારબાદ ગ્રુપના બે સભ્યોને લોન આપવામાં આવી હતી. સતત છ અઠવાડિયા સુધી સફળતાપૂર્વક ચૂકવણી કર્યા પછી, આગામી બે સભ્યો ગ્રામીણ બેન્ક પાસેથી લોન મળતી. ટૂંકમાં સામૂહિક જવાબદારી ! ગરીબીથી મુક્ત વિશ્વ : કેવી રીતે અને ક્યારે બને? વગેરે બાબાતોનું વિશ્લેષણ આ પુસ્તકમાં છે. દરેક જાગૃત નાગરિકે/ પત્રકારે/ UPSC-GPSCની પરીક્ષા આપતા યુવાનોએ આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ !
UPSC-GPSCની તૈયારી કરતાં ગુજરાતી યુવાનો મારી પાસે માર્ગદર્શન માટે આવે ત્યારે હું તેમને પૂછું છું કે ‘મહંમદ યુનુસ કોણ છે?’ જો તે મને તાકી રહે તો હું કહું કે ‘તમારે જનરલ સ્ટડીઝ માટે ગુજરાતી કોલમિયા લેખકોને વાંચવાનું બંધ કરીને ખરેખર વાંચવા લાયક પુસ્તકો વાંચવાની જરુર છે !’
---
*સ્રોત: ફેસબુક
Comments