અદાલતી જંગ બાદ નેટફ્લિક્સ પર ‘મહારાજ’ ફિલ્મ હવે રીલીઝ થઇ ગઈ છે. દરેકે દરેકે આ ફિલ્મ જોઈ કાઢવી જોઈએ. એને માટે નજીકના થીએટર સુધી જવાની પણ જરૂર નથી, ઘેર બેઠા ટીવી પર જ જોઈ શકાય છે. ૧૮૬૨ના મુંબઈના બહુ ચર્ચિત ‘મહારાજ લાયબલ કેસની સત્ય કથા પરની આ હિન્દી ફિલ્મ સૌરભ શાહની ૨૦૧૩મા લખાયેલી શ્રેષ્ઠ ગુજરાતી ડોક્યુ નોવેલ ‘મહારાજ’ પર આધારિત છે. જો તમે આ નોવેલ વાંચી હોય તો ફિલ્મને એની સાથે સરખાવવાનો પ્રયત્ન ના કરતા, મૂળ કથા, નોવેલ અને ફિલ્મમાં માધ્યમ મુજબ તફાવત રહેવાનો જ. સૌથી અગત્યની વાત એનો સંદેશ છે, એને પામવાનો પ્રયત્ન કરજો, કારણકે ૧૬૨ વર્ષ જુનો એ સંદેશ આજની તારીખે પણ એટલો જ રીલેવંટ છે, એ તો ફિલ્મની સામે કોર્ટે ચઢીને વૈષ્ણવોના એક ગ્રુપે જ સાબિત કરી દીધું!
હા, તો આ કથા દોઢસો વર્ષ પહેલા વૈષ્ણવ સંપ્રદાયની મુંબઈની મોટી હવેલીના મહારાજ જદુનાથ અને એમની સામે જંગે ચઢેલા ગુજરાતી પત્રકાર કરસનદાસ મૂળજીની છે, કરસનદાસ પોતે પણ વૈષ્ણવ હતા બાય ધ વે ૧૮૬૯મા જન્મેલા મહાત્મા ગાંધી પણ આ જ વૈષ્ણવ સમાજના હતા. એ સમયે (અત્યારે ખબર નથી) મુંબઈમાં (બીજે પણ) કૃષ્ણને પૂજતા વૈષ્ણવ સંપ્રદાયમાં એવો ક્રૂર અને અમાનવીય કુરિવાજ હતો કે સંપ્રદાયના અનુયાયીએ એના લગ્નની રાતે પોતાની નવોઢા સાથે સુહાગ રાત મનાવતા પહેલા નવી પરણેલી કન્યાને હવેલીમાં મહારાજ પાસે ‘સેવા’ માટે મોકલવી પડતી. એ પણ કોઈ ગુપ્ત રીતે નહિ, છડે ચોક, પરિવાર અને સમાજમાં સૌની જાણકારીમાં. એના કરતા પણ વધુ કમકમાટી ઉપજે એવી પ્રથા એ હતી, કે મહારાજની નવયુવતીઓ સાથેની કામલીલા જે જારકર્મ કહેવાતું, એ અન્ય ભક્તો પણ પૈસા આપીને મહારાજના બેડરૂમની બારીઓમાંથી જોતા અને રાધા-કૃષ્ણની લીલા જોયાનો સ્વર્ગીય આનંદ મેળવતા. આમાં કોઈને કાઈ જ અજુગતું ના લાગતું. સૌથી મોટી નવાઈની વાત એ છે, કે લગ્ન વખતની આ મુખ્ય ઘટના જ ફિલ્મમાં ફિલ્માવી નથી! માત્ર લગ્ન પ્રંગે જ નહિ, આડે દિવસે પણ મહારાજને જે ગમી જાય તે કન્યા મહારાજની ‘સેવા’માં હાજર કરાતી અને પરિવાર એ વાતે હરખાઈને ઘેર લાપસીનું આંધણ મૂકતો, કે એમની દીકરીને મહારાજે ‘સેવા’ માટે પસંદ કરી!
આપણા હીરો સામાજ સુધારક-પત્રકાર કરસનદાસની વાગ્દતા પણ મહારાજની કામલીલાનો ભોગ બને છે. સૌને માટે જે સહજ અને સ્વીકાર્ય હતું, એ કરસનદાસ માટે અસ્વીકાર્ય હતું. એ પરિવાર અને સમાજ આખાની સામે પડીને મહારાજની સામે જંગે ચડે છે અને પોતાના અખબાર ‘સત્ય પ્રકાશ’માં વૈષ્ણવ મહારાજોના પાખંડને ઉઘાડું પડે છે. કોઈ રીતે કરસનદાસ તાબે ના થતા, જદુનાથ મહારાજ કરસનદાસ સામે એ જમાનામાં અધધ કહેવાય એવો રૂપિયા ૫૦,૦૦૦ નો બદનક્ષીનો દાવો માંડે છે. અદાલતી લડાઈમાં આખરે અચાનક મહારાજ વિરુદ્ધ સાક્ષીઓ ઉભા થતા, અંગ્રેજોની અદાલતમાં કરસનદાસની જીત થાય છે, જો કે મહારાજને મામુલી આર્થિક દંડ સિવાય બીજી કોઈ ગંભીર સજા નથી થતી. આ કોઈ સ્પોઈલર નથી, જાણીતી વાત છે.
હવે યશરાજે બનાવેલી ફિલ્મની વાત કરીએ. હમણા હમણા નેટફ્લીક્સ બોલીવુડની ફિલ્મોને હોલીવુડનું બજેટ આપે છે, એટલે ‘હીરામંડી’ના લાહોરની જેમ ‘મહારાજ’માં દોઢસો વર્ષ પહેલાનું મુંબઈ અને એનો ગુજરાતી સમાજ આબેહુબ જીવતો થયો છે. જો કે યશરાજની ફિલ્મ છે એટલે એને વધુને વધુ રૂપાળી બનાવવા જેટલું ધ્યાન અને ધન અપાયું છે એટલું એને ધારદાર બનાવવા નથી અપાયું. વળી, આમીરખાનના દીકરા જુનેદને લોન્ચ કરવાની લ્હાયમાં કરસનદાસનું મુખ્ય પાત્ર જ નબળું બન્યું છે. કાશ, કરસનદાસનાં પાત્રમાં પ્રતિક ગાંધી હોત, તો ઓછા બજેટમાં વધારે સારું કામ થયું હોત. મહારાજના પાત્રમાં જયદીપ અહલાવત મજ્બૂત વિલન છે. હીરોઈનો બધી અદ્દલ ગુજરાતી લાગે છે. સંજય ગોરડીયાની કોમેડી ના રાખી હોત તો સારું હોત. પટકથા અને ડાયલોગ ચોટદાર છે. જો કે, જે મૂળ કથાનું મુખ્ય પાસું છે, એ કોર્ટ રૂમ ડ્રામાને ન્યાય જ નથી અપાયો. વળી સેન્સર બોર્ડ અને કોર્ટથી બચવા બેલેન્સીંગ એક્ટ કરવામાં ફિલ્મ નગ્ન સત્ય રજુ કરાવાથી ચુકી જાય છે. જો કે તમે આ પિષ્ટપેષણમાં પડ્યા વગર ફિલ્મના મુખ્ય સંદેશ પર જ ધ્યાન આપજો.
મોટામાં મોટી વિડમ્બના એ છે, કે નવી પેઢીને કરસનદાસ જેવા ક્રાંતિકારી ગુજરાતી પત્રકારનો પરિચય એક એવા ગુજરાતી પત્રકાર સૌરભ શાહ દ્વારા થાય છે, જે લેખકશ્રી પોતે એક વ્યક્તિ અને પાર્ટીના કંઠી પહેરેલા ભક્ત છે અને પોતાને ભક્ત તરીકે ઓળખવામાં એમને શરમ પણ નથી. એમનો ઉપરનો ફોટો એમની જ ફેસબુક વોલ પરથી લીધો છે. સારું લખતા આવડે એ સારો લેખક હોય, પરંતુ એ પત્રકાર પણ હોય એ જરૂરી નથી. પત્રકાર તો કરસનદાસ જેવો જ હોય, એ પ્રચારક ના હોય. એના લેખન અને જીવનમાં કોઈ ફરક ના હોય. આપણા લેખક્શ્રીએ થોડા વર્ષો પહેલા ‘વિચારધારા' નામનું મેગેઝીન પણ અમદાવાદથી કાઢેલું. ‘મોરારી બાપુ અને નરેન્દ્ર મોદીએ લવાજમ ભર્યું, તમે ભર્યું?’ એવા હોર્ડિંગ મારીને હજારો લોકોના લાખો રૂપિયાનાં લવાજમ ઉઘરાવીને તેઓશ્રી છૂમંતર થઇ ગયેલા. લવાજમના પૈસા ગુમાવનારા લોકો ગુજરાતમાં એમને જે નામે બોલાવે છે, એ અહી લખી શકાય એમ નથી. કરસનદાસ તો જેલ જતા જતા બચી ગયા પણ લેખકશ્રીને તો સાબરમતી જેલનો પણ અનુભવ છે.
હશે, ગમે એમ, પણ એક માત્ર ‘મહારાજ’ નવલકથા અને એના પરથી બનેલી ફિલ્મ માટે સૌરભ શાહના સાત ખૂન માફ!
---
સ્રોત: ફેસબુક
Comments