ગુણવંત શાહે 6 એપ્રિલ 2024ના રોજ ‘દિવ્યભાસ્કર’ની પોતાની કોલમમાં લખ્યું છે : “અરે ! એટલું તો માનો કે એને કેવળ લોકોના ભલામાં જ રસ છે ! એટલું તો માનો કે એને માટે કાયમ ‘નેશન ફર્સ્ટ’ છે ! અરે ! એટલું તો માને કે શું કરવું એ અંગે એ બિલકુલ સ્પષ્ટ છે, ક્યાંય અવઢવ નથી. એટલું તો માનો કે નેતા તરીકે એ સૌથી મોખરે છે ! અરે ! એટલું તો માનો કે એ દેશને હૃદયથી પ્રેમ કરે છે ! એટલું તો અવશ્ય માનો કે વિદેશી નેતાઓ એને ભેટવાની ઉતાવળ કરે છે ! અરે ! એટલું તો માનો કે એના પરિવારમાં કોઇ વાડેરા નથી ! અરે ! એટલું તો માનો કે બિલ ગેટ્સ જેવું બ્રેન ગણાતા વ્યક્તિ સાથે ચર્ચા કરતી વખતે પૂરો આત્મવિશ્વાસ ધરાવીને ડિજિટલ રિવોલ્યૂશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ચર્ચા કરી શકે છે ! કેટલાક માણસો ઇતિહાસનાં સંતાનો હોય છે ખરા, પણ તેઓ નિયતિનાં સંતાનો નથી હોતાં. આવા લોકો પાસે એક વિઝન હોય છે, જે અન્ય પાસે હોતું નથી. આવા લોકોને ત્રણ ભેટ જીવનભર મળતી રહે છે. વિરોધ, નિંદા અને ઇર્ષ્યા. આવા જ નમૂનાઓ ગેરસમજનો જ્થ્થાબંધ વૈભવ પામે છે. સ્પિનોઝા નામનો ચિંતક ઘરની બહાર નીકળી શકતો ન હતો. એ ચિંતકના વિચારો એવા હતા કે લોકોને ગુસ્સો આવતો તેથી સ્પિનોઝાનું પાછલું જીવન દયનીય બની ગયેલું. આવા લોકોના નસીબમાં ગેરસમજનો વૈભવ છલકાતો જ રહે છે. એમની કદર એમના મૃત્યુ પછી જ થતી હોય છે. ગેલિલિયોનાં પાછલાં વર્ષો અત્યંત વિષાદમય હતાં. આવા લોકોને કહેવાતાં સ્વજનોએ પણ મદદ નથી પહોંચાડી. મહાકવિ નરસિંહ મહેતાને વધારે પજવણી જૂનાગઢની નાગરી નાતે જ પહોંચાડી હતી ! એમનો ગુનો શું હતો? તેઓ એમના જમાનામાં ભજન કરવા માટે દલિતવાસમાં ગયા હતા. બસ થઇ રહ્યું ! એમને ‘ભારતરત્ન’ને બદલે ગાલીપ્રદાન મળ્યું ! નરસિંહ ભગતનો એ સુધારો ન હતો, ક્રાંતિ હતી. ક્રાંતિ હોય ત્યાં હિંસા હોય, નિંદાકૂથલી હોય અને ઢેફાંમારી હોય, પ્રશંસા ન જ હોય, કદર કદી પણ નહીં હોય ! આ દુનિયામાં કરોડો માણસો જન્મે છે અને મરે છે. એમને બે વિભાગોમાં વહેંચી શકાય : (1) જેઓ નિષ્ઠાવાન હોય છે, પરંતુ ઢીલાઢાલા હોય છે. (2) જેઓ સમર્થ હોય છે, પરંતુ ભ્રષ્ટાચારી નથી હોતા તેથી ઢીલાઢાલા નથી હોતા, ટટ્ટાર હોય છે. લોકો એમને જાહેરમાં ધિક્કારે છે, પરંતુ ખાનગીમાં પ્રેમ કરે છે !”
[1] વડાપ્રધાનને ‘કેવળ લોકોના ભલામાં જ રસ’ હોય એવું કંઈ રીતે કહી શકાય? કોરોના કાળમાં ઓક્સિજનના અભાવે હજારો લોકો મર્યા, છતાં સંસદમાં જૂઠ્ઠું બોલ્યા કે ઓક્સિજનના અભાવે એક પણ મૃત્યુ થયેલ નથી ! લોકડાઉનમાં શ્રમિકોની ભયંકર હેરાનગતિ થઈ ! નોટબંધી કરી ઈકોનોમીનું પૂરું કરી નાખ્યું ! કિસાનોને MSPની વચન આપી ફરી ગયા ! લદ્દાખને સ્વતંત્ર રાજ્યું વચન આપી ફરી ગયા ! દેશને ગૌરવ અપાવનાર મહિલા ખેલાડીઓની સાથે ઊભા રહેવાને બદલે યૌન શોષણ કરનારની પીઠ ખંજવાળી ! મણિપુરમાં પોતાનો એજન્ડા લાગુ કરવા મહિલાઓની નગ્ન પરેડ થવા દીધી, ગેંગ રેપ થયાં છતાં કોઈ સંવેદના વ્યક્ત ન કરી ! શું આને ‘કેવળ લોકોના ભલામાં જ રસ’ કહી શકાય?
[2] કાયમ ‘નેશન ફર્સ્ટ’ છે’ કે કોર્પોરેટ મિત્રો? દેશના ગરીબો વધુ ગરીબ બને અને કોર્પોરેટ મિત્રો વધુ ધનાઢ્ય બને, એના હૈયે નેશન ફર્સ્ટ છે એવું કહી શકાય? જે પોતાના પક્ષના કાર્યાલયો ફાઈસ્ટાર હોટલ કરતાં વધુ આલીશાન બનાવે અને શિક્ષણ પાછળ સાવ ઓછું બજેટ ફાળવે તેના હૈયે નેશન ફર્સ્ટ છે એવું કહી શકાય?
[3] ‘શું કરવું એ અંગે એ બિલકુલ સ્પષ્ટ છે, ક્યાંય અવઢવ નથી.’ સહમત. દેશમાં નફરત ફેલાવવી અને ગોલી મારો સાલોં કો કહેનારને મિનિસ્ટર બનાવવામાં તેઓ મક્કમ છે ! પરંતુ આ કોઈ ગુણ છે? ‘નેતા તરીકે એ સૌથી મોખરે છે’ પરંતુ તે માટે સરકારી નાણાંથી થતો જૂઠ્ઠો પ્રચાર નથી? ગોદી મીડિયાની સ્તુતિ જવાબદાર નથી? નેતા તરીકે મોખરે હોય તો 10 વરસમાં એકાદ પ્રેસ કોન્ફરન્સ કરી હોત ને?
[4] ‘દેશને હૃદયથી પ્રેમ કરે છે !’ તો નાગરિકો શું દેશને ચાહતા નથી? વિપક્ષના નેતાઓ શું દેશદ્રોહીઓ છે?
[5] ‘વિદેશી નેતાઓ એને ભેટવાની ઉતાવળ કરે છે !’ શું વિદેશી નેતાઓ બીજા કોઈ નેતાને ભેટવાને બદલે તિરસ્કાર કરે છે? આ એક પ્રોટોકોલ છે, એ ખાસિયત કઈ રીતે બની જાય?
[6] ‘એના પરિવારમાં કોઇ વાડેરા નથી !’ ખરું, પણ મહાકાય અદાણી-અંબાણી છે ! એ સવાયા વાડેરા નથી?
[7] ‘બિલ ગેટ્સ જેવું બ્રેન ગણાતા વ્યક્તિ સાથે ચર્ચા’નો મુદ્દો લઈ સ્તુતિ કરો છો પરંતુ વડાપ્રધાન Teleprompterમાં જોઈને પણ સરખું બોલી શકતા નથી, એ દેખાતું નથી?
[8] વડાપ્રધાન પાસે વિઝન છે એટલે નહીં પરંતુ નફરતની સંકુચિત દ્રષ્ટિ છે એટલે તેમની આલોચના થાય છે. તેથી વડાપ્રધાનનો વિરોધ, નિંદા થાય છે. કોઈને ઇર્ષ્યા થતી નથી ! વળી ગોદી મીડિયા અને સરકારી વાજિંત્રો 24 કલાક સ્તુતિ કરે છે, તે ઓછી પડે છે? વડાપ્રધાનના કૃત્યોની આલોચના કરનારાઓમાં કોઈ ગેરસમજ નથી, સ્પષ્ટ વિચારધારા છે. સ્પિનોઝા અને ગેલિલિયોની વાત અલગ છે. તેઓ વૈજ્ઞાનિક હતો, ચિંતક હતા, ક્રાંતિકારી હતા. તેમની સાથે વડાપ્રધાનની સરખામણી કરવી તે વિચારહીન સ્તુતિ કહી શકાય ! નરસિંહ મહેતાએ અસ્પૃશ્યતા સામે પગલું ભર્યું તે ક્રાંતિકારી હતું, પરંતુ વડાપ્રધાન તો મનુસ્મૃતિવાળુ સંકુચિત હિન્દુત્વ સ્થાપવા ઈચ્છે છે, તે દેખાતું નથી?
[9] ‘ક્રાંતિ હોય ત્યાં હિંસા હોય, નિંદાકૂથલી હોય અને ઢેફાંમારી હોય, પ્રશંસા ન જ હોય, કદર કદી પણ નહીં હોય !’ શું શબ્દોની આ રમત નથી? વડાપ્રધાને કઈ ક્રાંતિ કરી? નોટબંધી? અવિચારી લોકડાઉન? ગુપ્ત ઈલેકટોરલ બોન્ડ? વિરોધીઓનો અવાજ કચડી નાંખવાની? ચૂંટણી જાહેર થયા પછી મુખ્યમંત્રીને જેલમાં પૂરવાની? ભ્રષ્ટાચારીઓને પોતાના પક્ષમાં ગોઠવી તેમની સામેના પોલીસ/ IT/EDના કેસો અભરાઈએ ચડાવવાની? કઈ ક્રાંતિ? ગુણવંતભાઈ ! તમે વિપક્ષના નેતાની નિંદાકૂથલી કરો, ઢેફાંમારી કરો તે માત્ર વડાપ્રધાનની સ્તુતિ કરવા જ કરો છો ને?
[10] તમારા મતે વડાપ્રધાન સમર્થ છે, ભ્રષ્ટાચારી નથી. ઢીલાઢાલા નથી. ટટ્ટાર છે. તેથી લોકો એમને જાહેરમાં ધિક્કારે છે, પરંતુ ખાનગીમાં પ્રેમ કરે છે ! તમે આ સર્ટિફિકેટ ક્યા આધારે આપો છો? જો વડાપ્રધાન ભ્રષ્ટાચારી ન હોય તો ચૂંટણી કમિશ્નરની નિમણૂક કમિટિમાંથી ચીફ જસ્ટિસને કેમ દૂર કરી દીધા? ઈલેક્ટોરલ બોન્ડની માહિતી/ PM Cares fundની માહિતી નાગરિકો RTI હેઠળ માંગી ન શકે, એવી જોગવાઈ કેમ કરી? પારદર્શકતાથી વડાપ્રધાન ભડકે છે કેમ? ટેરરિસ્ટ ઓસામા બિન લાદેન અહિંસાનો ઉપદેશ આપે તો કેવું લાગે? એવું જ વડાપ્રધાન ભ્રષ્ટાચાર પર ભાષણ આપે ત્યારે નથી લાગતું?
આ વિચારોના પ્રદૂષણનું ઉત્તમ ઉદાહરણ છે. વિચારોનું વૃંદાવન નહીં, ભ્રમિત કરવાનું તરકટ છે. વડાપ્રધાનની આટલી સ્તુતિ કરનારને વિચારક/ લેખક કહી શકાય? આ તો નકરી ભાટાઈ છે !
Comments