તમે કદી એવું સાંભળ્યું છે કે એક યુવાન અંગ્રેજ મહિલા ભારતના આઝાદી આંદોલનમાં ઝુકાવે અને તેની આત્મકથા માતૃભાષા અંગ્રેજીમાં નહિ પણ હિન્દીમાં લખે? હા એ હકીકત છે! 'વ્યાવહારિક વેદાંત: એક આત્મકથા' ભારતના ગાંધીવાદી સામાજિક કાર્યકર સરલાબહેન કે સરલા દેવી ની આત્મકથા છે. હિન્દી આત્મકથાનું અંગ્રેજી ભાષાંતર A life In Two Worlds નામે પ્રકાશિત થયું છે. ગુજરાતી સાહિત્યકાર શરીફા વીજળીવાળાએ આ આત્મકથાનો સંક્ષેપ કરી ગુજરાતી વાચકોને ભેટ ધર્યો છે. 'ગાંધીની કેડીએ' એ નામની આ અનુવાદિત સંક્ષિપ્ત આત્મકથા યજ્ઞ પ્રકાશને પ્રકાશિત કરી છે.મહાત્મા ગાંધીના અંગ્રેજ શિષ્યા સરલાબહેનના (૧૯૦૧ - ૧૯૮૨) જીવનની દીવાદાંડી સમાન વાત આજે માંડીએ .
સરલાબહેન અર્થાત્ Catherine Marry Heilman નો જન્મ અંગ્રેજ માતા અને જર્મન પિતાના પરિવારમાં પશ્ચિમ લંડનમાં ૫ એપ્રિલ ,૧૯૦૧ ના દિવસે થયો હતો .પિતા જર્મન હોવાને કારણે ઇંગ્લેન્ડમાં તેઓને અને પરિવારને ખૂબ સહન કરવું પડ્યું.પિતાને તો. જેલમાં પણ પૂરવામાં આવ્યા હતા .શાળા શિક્ષણ બાદ કેથરિને લંડનમાં કામ કરવા માંડ્યું .આ દરમિયાન તેઓ કેટલાક ભારતીય વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા. આ વિદ્યાર્થીઓએ તેમને મહાત્મા ગાંધી અને ગાંધી વિચારધારાનો પરિચય આપ્યો.ગાંધી થી પ્રભાવિત થઈ વર્ષ ૧૯૩૨ માં તેઓ ભારત આવ્યા અને સમગ્ર જીવન ગાંધી વિચાર આચારના અમલમાં અને ભારતની આઝાદી અર્થે સમર્પિત કર્યું હતું. આઝાદ ભારતમાં પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધન માટેના વિશ્વ પ્રસિદ્ધ ચિપકો આંદોલનના ઉદભવમાં પાયાનું પ્રદાન કર્યું.
તેઓનો ભારત પ્રવેશ રાજસ્થાનના જાણીતા શિક્ષણધામ વિદ્યા મંદિર દ્વારા થયો. અહીં ગાંધી વિચારના શિક્ષણના બે વર્ષના પ્રયોગોથી તેઓ મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા . વુલન ખાદીના અને હાથ વણાટની ખાદી અર્થે તેઓની પસંદગી થઈ અને અલ્મોડા જિલ્લાના ગાંધી આશ્રમમાં તેઓએ કામ શરૂ કર્યું.શાંતિલાલ ત્રિવેદી નામના સત્યાગ્રહી જેઓ ઝંડા સત્યાગ્રહમાં ગંભીર ઘાયલ થયા હતા તેઓની મદદ અને માર્ગદર્શનથી કેથરિન ખાદીકામ અને સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવે છે.
૧૯૪૧-૪૨ માં એક નિર્ણય લેવાયો અને ઉત્તરાખંડના કસૌનીમાં એક શાળા જ્યાં સ્વાતંત્ર્ય સૈનિકોની દીકરીઓને ભણી શકે એવી શાળાનું સુકાન વર્ષ ૧૯૪૮ માં સરલાબહેનને સોંપાયું .આ સંસ્થા લક્ષ્મી આશ્રમ તરીકે શિક્ષણ અને સમાજસેવાનું વટવૃક્ષ બની વિકસી.આજે અહી 'સરલાબહેન સંગ્રહાલય' પણ છે જે સરલાબહેનના પ્રદાનના વારસાને વ્યક્ત કરે છે. એક માન્યતા એવી છે કે સરલાબહેન નામ ગાંધીજીએ આપ્યું હતું પણ તેઓની આત્મકથા પ્રમાણે આ નામ ગાંધીએ નથી આપ્યું પણ લોકો સાથેના સંપર્કમાં એ ઉભરી આવ્યું.ભારત છોડો આંદોલન દરમ્યાન તેઓની ધરપકડ થઈ હતી અને અલ્મોડા અને લખનૌની જેલમાં બે વર્ષનો કારાવાસ ભોગવ્યો હતો. કારાવાસમાં તેમના પર થતાં દમન વિરૂદ્ધ પંડિત નેહરુએ અનેક વખત વિરોધ દર્શાવ્યો હતો.હિન્દી અને અંગ્રેજીમાં તેઓએ ૨૨ પુસ્તકો લખ્યાં છે જેમાં મહિલા સશકિતકરણ,પર્યાવરણ સુરક્ષા અને પહાડોના સંરક્ષણ જેવા વિષયોને વણી લેવામાં આવ્યા છે.
જેલમાં અનેક યાતનાઓ ભોગવી મૃત્યુ પામેલા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોના પુનર્વસન માટે સરલાબહેન સતત સક્રિય રહેતા હતા. રક્ષાબંધનના દિવસે પોતાના હાથે કાંતેલી સુતરની આંટી પર હરદળ પાવડર છાંટી તેઓ રંગીન રાખી બનાવતા અને જેલના સાથીઓને કાંડે બાંધતા ત્યારે લાગણીભર્યા દ્ર્શ્યો સર્જાતા હતા .આઝાદી બાદ તેઓ વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં પણ જોડાયા હતા . ખાસ કરીને બિહારના ગરીબ પરિવારો સાથે વિમલા બહુગુણાએ તેમના માર્ગદર્શન હેઠળ કામ કરી ગરીબો સર્જન ગાઢ સંબંધ સ્થાપિત કર્યો હતો.
હિમાલયની ખીણમાં તેઓનો સેવાયજ્ઞ આજીવન રહ્યો અને મોટા પરિવર્તનનું માધ્યમ પણ બન્યો. ત્યાં દારૂ નિષેધનું મોટું અભિયાન બહેનો સાથે છેડ્યું જેમાં તેમના અનુયાયીઓ વિમલા અને સુંદરલાલ બહુગુણાએ પાયાની ભૂમિકા ભજવી. ચંબલ વિસ્તારના ખૂંખાર ડાકુઓને સમજાવી તેઓને આત્મસમર્પણ માટે તૈયાર કર્યા સરલાબહેને.સિતેરના દાયકામાં ઉત્તરાખંડમાં ચિપકો આંદોલન શરૂ.થયું.વૃક્ષોને ભેટી તેનું રક્ષણ કરવા સેંકડો મહિલાઓ ગાંધીના અહિંસક માર્ગે તૈયાર થઈ. આ આંદોલનના નેતા વિમલા અને સુંદરલાલ બહુગુણા અને હજારો કાર્યકરો માટે સરલાબહેન ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બન્યા હતા. આજે આ આંદોલન પર્યાવરણ સુરક્ષા માટેનું પ્રભાવક પ્રેરક બન્યું છે. એક વિદેશી મહિલાએ ભારતીય સમાજને ગાંધી દ્રષ્ટિકોણથી માત્ર સમજ્યો જ નહિ પણ તેના સર્વાંગી પરિવર્તન માટે જીવન સમર્પિત કર્યું. પોતાના જ દેશના અંગ્રેજી સાશન સામે સંઘર્ષ કરી જેલવાસ ભોગવ્યો સરલાદેવીને આઝાદીના અમૃત મહોત્સવે શત શત વંદન! તેઓને રચનાત્મક કાર્યો. માટેનો જમનાલાલ બજાજ એવોર્ડ પણ મળ્યો હતો.આઠમી.જુલાઈ ૧૯૮૨ ના દિવસે ભારતમાં પીઠોરાગઢમાં તેઓનું અવસાન થયું.
Comments