ગુજ. યુનિ.ની હોસ્ટેલમાં નમાઝ પઢી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલો થયો તેના સંદર્ભમાં તેના VC સુશ્રી નીરજા ગુપ્તાએ ભારતીય પરંપરા અને વિદેશી વિદ્યાર્થીઓના માંસાહાર બાબતે તેમને sensitize કરવા જોઈએ એમ કહ્યું છે. સમજાતું નથી કે કોને કઈ બાબતે sensitize કરવાની જરૂર છે. જેઓ હિંસાગ્રસ્ત બન્યા એમને કે જેમણે હિંસા કરી કે હજુ પણ કરી શકે છે એમને?
મને તો સુશ્રી નીરજા ગુપ્તાને જ લોકશાહી અને સંસ્કૃતિ બાબતે sensitize કરવાની જરૂર લાગે છે. અત્યારે તેમના સંદર્ભમાં બનેલી બે ઘટનાઓ યાદ આવે છે:
(૧) આશરે આઠેક વર્ષ અગાઉ અમદાવાદમાં જૂના ક્રિકેટ સ્ટેડિયમ નજીક એક બંગલાના ભોંયરામાં એક મીટિંગ બે વ્યક્તિઓ દ્વારા બોલાવવામાં આવી હતી. તેમાં મને નિમંત્રણ હતું. હું ગયેલો. ત્રીસેક જણા હશે એમાં.
મને જ્યારે આગ્રહપૂર્વક બોલવાનું કહેવામાં આવ્યું ત્યારે હું થોડીક મિનિટોમાં એવા મતલબનું પણ બોલ્યો કે, "આજકાલ કોલેજોના આચાર્યો સાચી વાત યુનિ.માં કે સરકારમાં કરતા નથી કારણ કે એમને VC થવું હોય છે."
આ વાક્ય સાંભળીને તરત જ નીરજા ગુપ્તા ઊઠીને જતા રહ્યાં હતાં. તેમની બાજુમાં અમદાવાદની SV કોલેજના આચાર્ય જગદીશ ચૌધરી બેઠેલા રહ્યા હતા. તેઓ આ ઘટનાના સાક્ષી છે.
અને પછી નીરજા ગુપ્તા મધ્ય પ્રદેશમાં એક યુનિ.માં VC થયાં અને પછી અહીં ગુજ. યુનિ.માં. હું કોઈ જ્યોતિષી ન હોવા છતાં સાચો પડ્યો. હું તો તે સમયે એમને ઓળખતો પણ નહોતો.
(૨) તેઓ મોટે ભાગે ભવન્સ કોલેજમાં આચાર્ય હતાં ત્યારની જ એક બીજી વાત. સમય જાન્યુઆરી, ૨૦૧૯. તેમને ત્યાંથી બે અધ્યાપકો મને મળવા આવ્યા. હું તેમને સહેજે ઓળખતો નહોતો. ત્યારે હું અમદાવાદની એચ કે આર્ટ્સ કોલેજનો આચાર્ય હતો. તેમણે મને ફેબ્રુઆરી મહિનામાં નવી શિક્ષણ નીતિ વિશે એક સેમિનારમાં વક્તા તરીકે આવવા નિમંત્રણ આપ્યું. મેં તે સમયે તેમને "તમારા આચાર્યને વાંધો નહિ હોય ને?" એમ પૂછેલું. મારા ભૂતકાળના કેટલાક અન્ય અનુભવોને આધારે જ મેં એ સવાલ તેમને પૂછ્યો હતો. તેમણે કશો વાંધો નથી એમ કહેલું. તે સમયે આજની શિક્ષણ નીતિ જાહેર થયેલી નહોતી પણ આશરે ૫૦૦ પાનાં ધરાવતી નીતિનો મુસદ્દો જાહેર થયેલો હતો. મેં એનો અભ્યાસ કરેલો, ક્યાંક વ્યાખ્યાનો આપેલાં, અને લખેલું પણ ખરું; એટલે જ તેઓ મને નિમંત્રણ આપવા આવ્યા હોઈ શકે.
એ સેમિનારની જાહેરાત પણ થઈ ગયેલી. પણ સેમિનારના બે દિવસ અગાઉ જ મારી પર પેલા બેમાંના એક અધ્યાપકનો ફોન આવ્યો કે સેમિનાર મુલતવી રાખ્યો છે અને એપ્રિલ મહિનામાં મોટા પાયા પર સેમિનાર રાખવો છે ત્યારે તમને બોલાવીશું. એ એપ્રિલ મહિનો પછી આવે જ નહિ એ સ્વાભાવિક છે.
જુન-૨૦૨૦માં બહાર પડાયેલી શિક્ષણ નીતિમાં critical thinking શબ્દો આઠ વખત લખવામાં આવ્યા છે, પણ સુશ્રી નીરજા ગુપ્તાને એવું critical thinking ક્યાંથી ગમે?
---
*અમદાવાદની એચ કે આર્ટ્સ કોલેજના પૂર્વ આચાર્ય, અર્થશાસ્ત્રી
Comments