પ્રતિ,
કુલપતિશ્રી,
ગુજરાત યુનિવર્સિટી,
અમદાવાદ.
વિષય: ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર લોકોને સજા થાય તે નિશ્ચિત કરો અને તમામ વિદ્યાર્થીઓને સલામતી અને સુરક્ષાની ખાતરી આપો.
ગુજરાત યુનિવર્સિટીની બૉયઝ હોસ્ટેલમાં એ બ્લોકમાં તાજેતરમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલ હુમલાની ઘટનાની ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (AIDSO) સખત ટીકા કરે છે. આ ઘટનાના જે વીડિયો સામે આવ્યા છે, તે આ ઘટનાની ભયાનકતા દર્શાવે છે. સાથે સાથે આ વિદ્યાર્થીઓને સલામતી અને સુરક્ષા આપવામાં ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીકળ્યું છે, તે પણ સ્પષ્ટ કરે છે.
માધ્યમોમાં આવેલા સમાચાર અનુસાર આ વિદ્યાર્થીઓ રમઝાન મહિનો ચાલતો હોવાથી નમાજ અદા કરી રહ્યા હતા, એ સમયે ધાર્મિક નારાઓ લગાવીને આ વિદ્યાર્થીઓ ઉપર કટ્ટરવાદી તત્વોના ટોળા દ્વારા કરવામાં આવેલો હુમલો ધર્મનિરપેક્ષતાની આપણી સંસ્કૃતિ ઉપર કલંક સમાન છે. ‘જય શ્રી રામ’ ના નારા સાથે ૧૫૦-૨૦૦ લોકોનું ટોળું હોસ્ટેલના કેમ્પસમાં, વિદ્યાર્થીઓ પર હુમલો અને રૂમમાં કેવી રીતે તોડફોડ કરી શક્યું, તે બાબત ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ બહુ મોટો પ્રશ્ન ઉભો કરે છે. એટલું જ નહીં, જાહેર થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પોલીસની પીસીઆર વાન ઊભેલી છે, તેમ છતાં હુમલો કરનાર કટ્ટરવાદી તત્વો સરળતાથી ભાગવામાં સફળ રહ્યા છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે આ કટ્ટરવાદી તત્વોએ પૂર્વ આયોજન સાથે હુમલો કર્યો છે અને તેમને કાયદાનો કોઈ જ ડર પણ નહોતો. દેશમાં શાસક પક્ષ દ્વારા જે કોમવાદી ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે, તેના પડઘા શૈક્ષણિક સંસ્થાઓમાં પડી રહ્યા છે. આ ઘટના તે વાતની સાક્ષી પૂરી પાડે છે. આ પ્રકારની ઘટનાથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં આપણા દેશની છબી ખરડાઈ છે, તેમાં કોઈ બેમત નથી.
અમે સ્પષ્ટ પણે માનીએ છીએ કે;
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સલામતી-સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી ગુજરાત યુનિવર્સિટીની છે. તેથી ગુજરાત યુનિવર્સિટી પોતે આ વિદ્યાર્થીઓને સલામતી સુરક્ષા પૂરી પાડે, તેમના વતી તેમના પર ફરિયાદ કરનાર કટ્ટરવાદી તત્વો સામે ફરિયાદી બને, એટલું જ નહીં હુમલો કરનાર તમામ અસામાજિક તત્વોને દાખલા રૂપ સજા થાય તેની જવાબદારી સ્વીકારે અને ગુજરાત યુનિવર્સિટીનું વાતાવરણ કોમવાદથી સંપૂર્ણ મુક્ત રહે તે માટે સક્રિય પગલા ભરે.
AIDSO દેશની સમગ્ર વિદ્યાર્થી આલમ વતી આ વિદેશી વિદ્યાર્થીઓને એ ખાતરી આપે છે કે આ મુશ્કેલ ક્ષણોમાં અમે તમારી સાથે છીએ.
---
*સેક્રેટરી, ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (AIDSO), ગુજરાત રાજ્ય સમિતિ
Comments