ગુજરાત અને અમદાવાદના જાહેરજીવનમાં મહાત્મા ગાંધીના આગમન પૂર્વે સમાજ સુધારા અને સમાજ ચિંતન ક્ષેત્રમાં શિરમોર વ્યક્તિત્વ એટલે રમણભાઈ. ધર્મની જડતાઓને પડકારનાર અને એ દિશામાં સાહિત્ય સર્જનની ઉજ્વળ પરંપરાના અગ્રણી એવા રમણભાઈ નીલકંઠ વિશે આજે વાત કરીશું.વીસમી સદીની પ્રથમ પચીસીમાં અમદાવાદને વૈચારિક રીતે બદલનાર બે વ્યક્તિત્વ. એક ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા રમણભાઈ .ગુજરાતમાંથી સૌ પ્રથમ વિદેશગમન કરનાર અને એ માટે નાગરી નાતનો દંડ અને વિરોધ સહન કરનાર મહીપતરામ રૂપરામના પુત્ર રમણભાઈની માતાનું નામ રૂપકુંવર હતું. આજથી ૧૫૪ વર્ષ પૂર્વે વર્ષ ૧૮૬૮ ના માર્ચની ૧૩ તારીખે અમદાવાદમાં વડનગરા નાગર પરિવારમાં રમણભાઈનો જન્મ થયો હતો. રસપ્રદ એ છે કે રમણભાઈની મૂળ અટક મહેતા હતી પણ તેમના એક પૂર્વજ નામે નીલકંઠ મહેતા દિવાન હતા એથી રમણભાઈની અટક મહેતા નહિ પણ નીલકંઠ પડી.
વર્ષ ૧૮૮૩માં રમણભાઈ મેટ્રિક થયા. એ સમયે તેઓ ૧૫ વર્ષના હતા.કોલેજ શિક્ષણ અર્થે તેઓ અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા અને મુંબઈ યુનિવર્સિટી માં પ્રિવિયસની પરીક્ષામાં તેઓ પ્રથમ આવ્યા .વર્ષ ૧૮૮૫ માં તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં એટલા માટે પ્રવેશ લીધો કેમકે તેઓ વિશ્વવિખ્યાત કવિ વર્ડઝવર્થના પૌત્રના વિદ્યાર્થી બનવા ઈચ્છતા હતા. ૧૯ વર્ષની ઉમ્મરે ૧૮૮૭ માં તેઓ બી એ થયા.એ જ વર્ષે તેમના પત્ની હસવદનનું અવસાન થયું અને એ જ વર્ષે અર્થાત્ ૧૯ વર્ષની ઉમરે તેઓ વિદ્યાગૌરી સાથે પરણ્યા . એ જાણીતી વાત છે કે વિદ્યાગૌરી અને તેમના બહેન શારદાબહેન વર્ષ ૧૯૦૧ માં ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતકો બન્યા.
વર્ષ ૧૮૯૧માં પિતા મહીપતરામનું અવસાન થયું. તેઓ ગુજરાતમાં પ્રાર્થના સમાજના પ્રથમ સ્થાપક સભ્ય, અમદાવાદની મ્યુનિસિપાલિટીના ચેરમેન હતા. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રથમ પ્રવાસ ગ્રંથ 'ઇંગલેંડની મુસાફરીનું વર્ણન' તેમજ ઐતિહાસિક નવલકથાઓ લખનાર મહીપતરામ આધુનિક વિચારો ધરાવતા સુધારક હતા .રમણભાઈ ને પિતાનો આ બહુમુખી વારસો મળ્યો હતો.એટલું જ નહિ તેઓ પોતે પણ ઉદારમતવાદી હોવાને કારણે પિતાના અવસાન બાદ તેમના સ્થાને અનેક નાગરિક સંસ્થાઓમાં ટ્રસ્ટી બની રહ્યા.
ગુજરાતમાં એવી પરંપરા રહી છે કે સાહિત્યકાર અને સુધારક એવી બેવડી ભૂમિકાઓ ભજવનાર વ્યક્તિઓને મહદ અંશે સાહિત્યકાર તરીકે વિશેષ ચિત્રિત કરવામાં આવે છે. પરિણામે સુધારક પાસું હાંસિયામાં ધકેલાઈ જાય છે.તેને કારણે જૂની અને નવી બન્ને પેઢીઓ સામાજિક સુધારણા ઇતિહાસથી વંચિત રહી જાય છે. રમણભાઈ વિશે પણ એમ જ બન્યું એમ કહી શકાય.આ સંદર્ભે કવિ નિરંજન ભગતનું અવલોકન સમજવા જેવું છે. તેઓના શબ્દોમાં "દલપતરામ પછી અર્વાચીન અમદાવાદને જો કોઈએ સૌથી વધુ આબાદ કર્યું હોય તો તે રમણભાઈ નીલકંઠે. દલપતરામ અને ગુજરાત વરનાક્યુલર સોસાયટી જેમ પરસ્પરના પર્યાયરૂપ હતાં તેમ રમણભાઈ અને અમદાવાદ મ્યુનિસિપાલિટી પરસ્પર પર્યાયરૂપ હતાં.દલપતરામે જેમ સોસાયટી દ્વારા અમદાવાદને બૌધ્ધિક સ્તરે આબાદ કર્યું તેમ રમણભાઈએ અમદાવાદને મ્યુનિસિપાલિટી દ્વારા સામાજિક સ્તરે આબાદ કર્યું." ઓગણીસમી સદીના અંતે અને વીસમી સદીના પ્રારંભે ગુજરાતમાં બે વિચારધારાઓ વચ્ચેના સંઘર્ષમાં એક પક્ષે મણીલાલ નભુભાઈ દ્વિવેદી હતા જેઓ ધર્મના પરિમાણયુક્ત સમાજ દર્શનના હિમાયતી હતા તો સામે પક્ષે રમણભાઈ સામાજિક અને તે પણ ઉદારવાદી પરિમાણના સમર્થક હતા .
વર્ષ ૧૮૯૭ માં રમણભાઈએ ચૂંટણી દ્વારા અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ કર્યો અને ૧૯૧૨ સુધી સતત ૧૪ વર્ષ તેની મોટાભાગની સલાહકાર સમિતિઓમાં કામ કર્યું હતું.૧૯૧૫ થી ૧૯૨૪ એમ એક દાયકા સુધી તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના ચુંટાએલા પ્રમુખ હતા .વકીલ હતા એટલે તેઓ કાનૂની સલાહ અને તે પણ નિશુલ્ક આપતા રહ્યા.એ જમાનાની ૭૫ થી ૫૦૦ રૂપિયાની ફી ને સ્થાને માત્ર ૩૦ રૂપિયા ફી લઈને કોર્ટમાં કેસો માટે રજૂઆત કરી હતી.રાજકીય ખટપટોને કારણે ૧૯૨૪ ની ચૂંટણીમાં રમણભાઈનો પરાજય થયો હતો.એવું કહેવાય છે કે મ્યુનિસિપાલિટીમાં રાજકારણ નો પ્રવેશ આ ઘટનાથી શરૂ.થયો.
આજનું અમદાવાદ જે સંસ્થાઓના પ્રદાનને કારણે નાગરિક કે સામાજિક ક્ષેત્રે આબાદ બન્યું છે એ સંસ્થાઓમાં એક સદી પૂર્વે રમણભાઈનું સફળ નેતૃત્વ રહ્યું હતું. આ સંસ્થાઓમાં પ્રાર્થનાસમાજ, અનાથઆશ્રમ, બહેરમુંગાની શાળા, મદ્યપાન નિષેધ, ગુજરાત સાહિત્ય સભા, લિબરલ લીગ, ગુજરાતી સાહિત્ય પરિષદ, લિટરરી ઇન્સ્ટિટ્યૂટ, જ્ઞાનસુધાના તંત્રી, લો લાયબ્રેરી, સ્ત્રી કેળવણી મંડળ, કન્યાશાળાઓ, અંજુમને ઇસ્લામ, રેડક્રોસ, નર્સિંગ, મેડિકલ રિલીફ હોસ્પીટલો અને અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. વર્ષ ૧૯૦૫ માં સરકારે એમને એમની જાહેર સેવાઓની કદર રૂપે "રાવબહાદુર" નો અને ૧૯૨૭માં સાહિત્ય સેવાની કદર રૂપે "સર" નો ઈલ્કાબ આપ્યો હતો.
રમણભાઈએ 'ભદ્રંભદ્ર' નવલકથા અને 'રાઈનો પર્વત' નાટક દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું. 'ભદ્રંભદ્ર' દ્વારા રમણભાઈએ ભગત સાહેબના શબ્દોમાં "એમાં હિન્દુધર્મમાં જે અધમ અને અમાનુષી, પ્રત્યાઘાતી અને સુધારાને પ્રતિકૂળ અને પ્રતિકાર રૂપ દુષણો અને દુરિતો હતાં એમની પ્રત્યે રમણભાઈનો પુણ્યપ્રકોપ થયો છે". ધર્મ ભાવના અને નારી પ્રતિષ્ઠા કેન્દ્રમાં છે એવું પંચાંકી નાટક એટલે 'રાઈનો પર્વત' ઉત્તમ સ્ત્રી પાત્રો અને વિધવા વિવાહનું સમર્થન કરી રમણભાઈએ સાહિત્ય દ્વારા સમાજ સુધારાનો સંદેશ પણ આપ્યો.કાવ્યો અને પ્રાર્થનાની રચના પણ તેઓનું સાહિત્ય પ્રદાન છે. પત્ની વિદ્યાગૌરીની પ્રશસ્તિ રૂપે 'સર્વસ્વ' કાવ્ય તેમજ ખંડ કાવ્યો અને મુક્તકો રચ્યા હતા. વિવેચન ક્ષેત્ર પણ તેમનાથી વણસ્પર્શ્યું ન હતું.એ ક્ષેત્ર તેમનાથી ઉજળું બન્યું.૧૯૧૮માં તેઓ બીજી ગુજરાત સંસારસુધારા પરિષદના તથા ૧૯૨૪માં અહમદનગરની પ્રાંતિક સંસાર સુધારા પરિષદના પ્રમુખ હતા. ૧૯૦૫ના જૂનમાં તેમણે અમદાવાદમાં પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદની સ્વાગત સમિતિનું અને ૧૯૨૬ના માર્ચમાં મુંબઈમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ શોભાવ્યું હતું.
રમણભાઈ અને વિદ્યાગૌરીના પુત્રી વિનોદીની નીલકંઠ આઝાદી પૂર્વે અને પછીના ગુજરાતનું જાણીતું અને ગૌરવવંતુ નામ છે. વર્ષ ૧૯૨૮ ના માર્ચની છઠ્ઠી તારીખે ૬૦ વર્ષની ઉમ્મરે અમદાવાદમાં રમણભાઈનું અવસાન થયું.અમદાવાદના જાહેર જીવનમાં કોઈ આખું કુટુંબ સમાજસેવાને જીવન સમર્પિત કરે એ પરંપરાનો પ્રારંભ નીલકંઠ પરિવારે કર્યો હતો.રમણભાઈ ને અંજલિ અર્પતા નિરંજન ભગત દર્શાવે છે "અમદાવાદમાં આવી સમાજસેવાની પ્રવૃતિ દલપતરામ પછી માત્ર રમણભાઈએ જ કરી છે .અમદાવાદનો આવો ત્રીજો નાગરિક તો જન્મશે ત્યારે જન્મશે".
Comments